શોપિયા એન્કાઉન્ટર સાઈટ પાસે સેનાની ગાડીનો અકસ્માતઃ ૩ જવાન શહીદ
નવીદિલ્હી, કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળોએ ગુરુવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વિસ્તારમાં હજુ પણ ઘણા આતંકવાદીઓ છુપાયેલા છે. આ ઓપરેશન દરમિયાન સેનાનું એક વાહન અકસ્માતનો શિકાર બન્યું હતું. જેમાં ત્રણ જવાનો શહીદ થયા છે, જ્યારે ૫ જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમને શ્રીનગરની બેઝ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગુરુવારે શોપિયાંના કાનીપોરા ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે બાદ સેનાએ વધારાના જવાનોને સ્થળ પર બોલાવ્યા હતા. આ દરમિયાન એન્કાઉન્ટર સ્થળ પાસે સેનાના એક વાહને નિયંત્રણ ગુમાવ્યું હતું અને અકસ્માતનો ભોગ બન્યો હતો. જેમાં ૮ જવાનો ઘાયલ થયા હતા. બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જેમાંથી ત્રણના મોત થઈ ગયા.
પીઆરઓ શ્રીનગરના જણાવ્યા અનુસાર, એક સૈનિકને સામાન્ય ઈજા થઈ હતી, જેને જિલ્લા હોસ્પિટલમાંથી જ રજા આપવામાં આવી હતી, જ્યારે અન્યને શ્રીનગર બેઝ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર અહેવાલ છે કે કેટલાક સ્થાનિક લોકો એન્કાઉન્ટર સ્થળની નજીક પથ્થરમારો કરી રહ્યા હતા. જેના કારણે વાહન અકસ્માતનો ભોગ બન્યુ હતુ.HS