શોભાયાત્રા પર પત્થરમારા બાદ હિંસા ભડકી: પોલીસે દાખલ કરી FIR
દિલ્હી પોલીસે ૧૫ સંદિગ્ધોની અટકાયત કરી છે
નવી દિલ્હી, નોર્થ-વેસ્ટ દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં ૧૬ એપ્રિલની સાંજે હનુમાન જયંતીનાં અવસર પર કાઢવામાં આવી રહેલી શોભાયાત્રા પર પત્થરમારા બાદ હિંસા ભડકી ગઇ હતી. બે પક્ષ તરફથી દિલ્હીનાં જહાંગીરપુરી વિસ્તારમાં ૧૬ એપ્રિલની સાંજે કેટલાંક ઉપદ્રવીઓએ કેટલીક ગાડીઓને આંગ ચાંપી દીધી હતી.
આ ઘટનામાં કેટલાંક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતાં. દિલ્હી પોલીસનાં પીઆરઓ અન્યેશ રોયે જણાવ્યું કે, સ્થિતિ હવે કંટ્રોલમાં છે. જહાંગીરપુરી સહિત દિલ્હીનાં અન્ય સંવેદનશીલ ક્ષેત્રોમાં સુરક્ષાદળ તૈનાત કરવામાં આવ્યાં છે. દિલ્હી પોલીસે આ ઘટનાનાં સંબંધે અત્યાર સુધીમાં ૧૫ સંદિગ્ધોની અટકાયત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દિલ્હીનાં પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના સાથે વાત કરી અને પરિસ્થિતિ કંટ્રોલમાં કરવાનાં નિર્દેશ આપ્યાં છે.
જહાંગીરપુરી હિંસા પર દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું છે કે જે લોકો કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હિંસા આચરનારા બદમાશોને બક્ષવામાં આવશે નહીં.
તેમણે કહ્યું કે જહાંગીરપુર સહિત દિલ્હીના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓને એલર્ટ રહેવા અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જહાંગીરપુરીમાં સ્થિતિ હવે નિયંત્રણમાં છે. હિંસાની તપાસ માટે ૧૦ ટીમો બનાવવામાં આવી છે.
દિલ્હી પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસાના સંબંધમાં એફઆઈઆર નોંધી છે. નવી દિલ્હીના કાયદો અને વ્યવસ્થાના વિશેષ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, “અમે આ ઘટનામાં એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે. પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે.
આ કેસમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો બાદ ફાટી નીકળેલી હિંસા અંગે યુપીમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત રાજ્યના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તૈયાર છે અને જરૂર પડ્યે ફ્લેગ માર્ચ પણ કરી રહી છે. યુપી પોલીસના એડિશનલ ડાયરેક્ટર જનરલ, કાયદો અને વ્યવસ્થા, પ્રશાંત કુમારે તમામ જિલ્લાના પોલીસ કેપ્ટનોને એલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.