શોલેના શૂટિંગમાં ધર્મેન્દ્રએ અસલી ગોળી ચલાવી હતી
મુંબઈ: અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ફિલ્મ શોલે આજની તારીખમાં મોસ્ટ આઈકોનિક ફિલ્મ છે. આ ફિલ્મમાં જાેવા મળતી જય (અમિતાભ બચ્ચન) અને વીરુ (ધર્મેન્દ્ર)ની દોસ્તીનું લોકો ઉદાહરણ આપે છે. બિગ બીએ ‘કૌન બનેગા કરોડપતિ ૧૨’શો દરમિયાન ફિલ્મ ‘શોલે’ સાથે જાેડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો.
કેબીસી ૧૨ના એપિસોડમાં સીઆરપીએફના ડીઆઈજી પ્રીત મોહન સિંહ આવ્યા હતાં. ડીઆઈજીએ જણાવ્યું કે ‘શોલે’ તેની ફેવરિટ ફિલ્મ છે. તેમણે કહ્યું કે, ધર્મેન્દ્રને પોતાની સાથે વધારે ગોળીઓ લઈને જવાનું હતું જેથી તે અમિતાભ બચ્ચનને બચાવી શકે. જેના પર અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે ફિલ્મના ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન ધર્મેન્દ્રએ એક અસલી ગોળી ચલાવી હતી. જે તેની નજીક થઈને જ પસાર થઈ હતી.
અમિતાભ બચ્ચને જણાવ્યું કે, જ્યારે અમે તે સીનનું શૂટિંગ કરી રહ્યાં હતાં. જેમાં ધરમજી નીચે હતા અને હું પહાડની ઉપર હતો. ધરમજી પોતાની છાતી ઉપરથી શર્ટ ખોલીને ગોળીઓ ભરતા હતાં. તેમણે એક વાર કોશિશ કરી પરંતુ ગોળીઓ ઉઠાવી શક્યા નહોતાં. બીજીવાર કર્યું. પછી પણ ગોળીઓ ઉઠાવી ન શક્યાં. જેથી ધરમજીને ગુસ્સો આવ્યો. મને ખબર નથી કે તેમણે શું કર્યું પરંતુ તેમણે બંદૂકમાં કારતૂસ નાખી અને ફાયરિંગ કર્યું. અમિતાભ બચ્ચને આગળ ઉમેર્યુ હતું કે, ‘
ધર્મેન્દ્રએ જે ગોળી ચલાવી તે અસલી હતી. તેઓ એટલા ગુસ્સામાં હતાં કે તેમણે ફાયરિંગ કર્યું. હું તે સમયે પહાડ પર જ હતો. મેં તે સમયે કાન પાસે ગોળીઓ પસાર થવાનો અવાજ સાંભળ્યો હતો. તેમણે અસલી ગોળી ચલાવી હતી. હું બચી ગયો હતો.’ રમેશ સિપ્પીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘શોલે’ હિંદી સિનેમાની એક કાલજયી ફિલ્મ છે. ૪૫ વર્ષ પછી પણ ફિલ્મનું આકર્ષણ ઓછું નથી થયું. ફિલ્મ ‘શોલે’માં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન ઉપરાંત હેમામાલિની, જયા બચ્ચન, સંજીવ કુમાર અને અમજદ ખાન જેવા ઉત્તમ કલાકારોએ અભિનય કર્યો હતો.