શ્રદ્ધા કપૂર, સારા, દીપિકાએ ડ્રગ્સ લેવા અંગે ઈન્કાર કર્યો
દીપિકા પાદુકોણની લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, બાદમાં ઘરે પરત ફરી હતી
મુંબઈ, સુશાંત સિંહની આત્મહત્યાની તપાસ પછી સામે આવેલા ડ્રગ કેસમાં આજે એટલે કે ૨૬ સપ્ટેમ્બરનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. બોલિવૂડ એક્ટ્રેસિસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર આજે એનસીબીની ઓફિસે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન દીપિકા, સારા અને શ્રદ્ધા ત્રણેય એક્ટ્રેસિસે ડ્રગ્સનો ઉપયોગ કરવાનો ઈન્કાર કર્યો હતો. દીપિકા પાદુકોણની લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ તે ઘરે પરત ફરી હતી. ગોવાથી પરત આવ્યા પછી તે રણવીર સાથે હોટલમાં રોકાઈ હતી. તો એનસીબીએ ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. ક્ષિતિજની ૨૪ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને ડ્રગ્સની ખરીદી અને વેચાણમાં તેની સંડોવણી પણ મળી હતી.
સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની ધરપકડ કરી છે. ક્ષિતિજની ૨૪ કલાક જેટલી લાંબી પૂછપરછ કર્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી. અહેવાલ અનુસાર, ક્ષિતિજને એનસીબીએ સમન્સ મોકલ્યું હતું, અને તેના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. બે ડ્રગ પેડલર્સે ક્ષિતિજનું નામ આપતા એનસીબીએ તેની વિરુદ્ધ પણ તપાસ શરુ કરી હોવાનું ટાઈમ્સ નાઉએ જણાવ્યું છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે વ્હોટ્સએપ ચેટમાં ક્ષિતિજે એવું કહ્યું હતું કે તે ડ્રગ્સની વ્યવસ્થા કરી શકે છે, અને એનસીબી હાલ પેડલર અને સપ્લાયર વચ્ચેની લિંક પ્રસ્થાપિત કરવા તપાસ કરી રહી છે. ડ્રગ્સ ચેટ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું સમન્સ મળ્યા બાદ દીપિકા પાદુકોણ આજે સવારે ૧૦ વાગ્યે એનસીબીના ગેસ્ટ હાઉસ પહોંચી હતી.
એનસીબીની ટીમના પાંચ સભ્યો ડ્રગ્સ ચેટ મામલે દીપિકાની પૂછપરછ કરી રહ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે, દીપિકા પાદુકોણે મેનેજર કરિશ્મા પ્રકાશ સાથેની ડ્રગ્સ ચેટ કબૂલી છે. સૂત્રોનું માનીએ તો દીપિકાએ એમ પણ સ્વીકાર્યું છે કે, તે એક ખાસ પ્રકારની સિગરેટ પીવે છે પરંતુ ડ્રગ્સ નથી લેતી. આજે એનસીબીએ સતત પાંચ કલાક સુધી દીપિકા પાદુકોણની પૂછપરછ કરી હતી. દીપિકા ઉપરાંત આજે શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પણ પૂછપરછ થઈ હતી. શ્રદ્ધા કપૂર લગભગ ૧૨ વાગ્યે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઓફિસે પહોંચી હતી. રિપોર્ટ પ્રમાણે, પૂછપરછ દરમિયાન શ્રદ્ધા કપૂરે સુશાંત સિંહ રાજપૂત સાથે પાર્ટી કરી હોવાનું સ્વીકાર્યું છે. જો કે, શ્રદ્ધાએ પાર્ટીમાં ડ્રગ્સ લેવાના આરોપો નકાર્યા છે.
બુધવારે શ્રદ્ધા કપૂરને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સમન્સ પાઠવ્યું હતું. નોંધનીય છે કે, સુશાંત સિંહની આત્મહત્યા તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ બહાર આવ્યો હતો. આ મામલે તપાસ કરી રહેલી એનસીબીએ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી ઉપરાંત બીજા પણ કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ સિવાય રકુલ પ્રિત સિંઘની પણ શુક્રવારે કલાકો સુધી પૂછપરછ કરાઈ હતી. બોલીવુડની અન્ય અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરને શનિવારે પૂછપરછ માટે બોલાવાઈ હતી. એનસીબી છેલ્લા ઘણા દિવસોથી બોલિવૂડ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. દીપિકા, શ્રદ્ધા અને સારાની પૂછપરછ પછી હવે એનસીબી આગામી ૩ દિવસમાં ડીજીને રિપોર્ટ રજૂ કરી શકે છે. જણાવી દઈએ કે બોલીવુડની ડ્રગ ચેટ પછી એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી. રિયા ચક્રવર્તીની અગાઉ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલમાં તે જેલમાં છે.SSS