શ્રમ રોજગાર, ગૃહ, મહેસૂલ સહિતના વિભાગો એસટીને એક કરોડ ચૂકવતાં નથી
(એજન્સી) અમદાવાદ, સરકારી કાર્યક્રમોમાં લોકોને લાવવા-લઈ જવા સહિતના કામ માટે એસટી નિગમે રાજ્ય સરકારના વિવિધ વિભાગોને એસટી બસો પૂરી પાડી હતી. જાેકે સરકારી વિભગોએ હજુ સુધી ભાડા પેટે એક કરોડથી વધુ રકમ એસટી નિગમને ચૂકવી નથી.
સૌથી વધુ શ્રમ અને રોજગાર વિભાગ પાસેથી રૂ.૪૦.૪૩ લાખ, ગૃહ વિભાગ પાસેથી રૂા.૨૩.૫૪ લાખ અને સામાન્ય વહીવટ વિભાગ પાસેથી રૂા.૧૭.૭૪ લાખ લેવાના બાકી નીકળે છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સૂત્રો કહે છે કે, ફેબ્રુઆરી ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૨ના બે વર્ષ જેટલા સમયગાળામાં સરકારી વિભાગોએ એસટી બસો ભાડે લીધી હતી. જે પેટે રૂ.૧.૦૬ કરોડની રકમ સરકારી વિભાગો પાસેથી લેવાની નીકળે છે.
રકમ મળે તે માટે સરકારી વિભાગોને પત્ર લખીને પણ તાકીદ કરવામાં આવી છે. જાેકે છેલ્લાં બે વર્ષમાં વિભાગોએ બાકી નાણાંમાંથી ફૂટી કોડીયે ચૂકવી નથી. રાજ્યના શ્રમ એ રોજગાર વિભાગ પાસેથી ૨૦૨૦-૨૧ના અરસાના ૪૦.૪૩ લાખ લેવાના નીકળે છે.
મહેસૂલ વિભાગ પાસેથી બે વર્ષના ૧૩.૧૨ લાખ જેટલી રકમ લેવાની થાય છે. રાજ્ય ચૂંટણી પંચ પાસેથી વર્ષ ૨૦૨૧-૨૨ના ભાડા પેટે રૂ.૮.૨૧ લાખની રકમ લેવાની નીકળે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ પાસેથી ૧.૭૮ લાખની રકમ લેવાની નીકળે છે. આમ સરકારી વિભાગો એસટીને ભાડાની રકમ ચૂકવવામાં ધાંધિયા કરી રહ્યા છે.