શ્રાવણ મહિનામાં ભક્તો પશુપતિનાથ બાબા ના દર્શન કરી નહિ શકે
કાઠમાડૂ: દેશમાં કોરોના સંક્રમણને કાબુ માટે સરકાર દ્વારા લેવા માટે અનેક ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે. જેમાં નેપાળનું પશુપતિનાથ મંદિર પણ સામેલ છે. આ વર્ષે પણ ભક્રતો ભોલે ભંડારીના રૂબરૂ દર્શન કરી શકશે નહિ. પશુપતિનાથ મંદિરના મુખ્ય સચિવ ઘનશ્યામે જણાવ્યું કે, નેપાળ સરકાર દ્વારા આ વર્ષે કોરોના સંક્રમણ રોકવા માટે પશુપતિનાથ મંદિર બંધ રાખવામાં આવ્યું છે.
આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં ભક્તોને બાબા ભોલેનાથ દર્શન આપી શકશે નહિ. આ સમય દરમિયાન માત્ર મંદિરના પુજારી જ ભગવાન શિવનું અર્ચન – પૂજન કરશે. ભારત સરકારે નેપાળને કોવિશીલ્ડના ૧૨ લાખ ડોઝ આપ્યા છે. જાેકે, નેપાળમાં હજુ પણ વેક્સીનની ખુબ તંગી જાેવા મળે છે. કાઠમંડુ ખાતે દરવર્ષે લાખો લોકો ભગવાન શિવની આરાધના કરવા પહોંચે છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે નેપાળ સરકારે તેની સરહદો બંધ કરી છે. અમુક સીમાઓને કડક નિયમો સાથે ભારતીય નાગરિકો માટે ખુલ્લી રાખી છે. એવી આશા હતી કે, નેપાળમાં તખ્ત પલટો થશે તો સ્થિતિ બદલશે, પણ એ આશા હાલ પૂરતી ઠગારી નીવડી છે.
પશુપતિનાથ એ હિંદુ ધર્મના સૌથી મોટા અને જુના તીર્થસ્થાનોમાંનું એક છે. અને તે બાગમતી નદીના કિનારે સ્થિત છે. મંદિર પરીસરમાં ભગવાન રામ અને વિષ્ણુના પણ મંદિરો આવેલા છે. આ મંદિર યુનેસ્કોના વિશ્વ ધરોહરમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિરને નિહાળવા દર વર્ષે લાખો વિદેશીઓ તેની મુલાકાત લે છે. એવું મનાય છે કે, આ મંદિર વૈદિક સંસ્કૃતિની શરૂઆત પૂર્વે સ્થાપવામાં આવ્યું હતું.