શ્રીનગરઃ પંથા ચોકમાં ભીષણ અથડામણમાં ૩ આતંકી ઠાર
આતંકવાદીઓને આત્મસમર્પણનું કહેતા ફાયરિંગ શરૂ કર્યું
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પંથા ચૌકમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલ સામે આવ્યા છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દીધા છે જ્યારે ક્રોસ ફાયરિંગમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન શહીદ થયો છે. હજુ પણ વિસ્તારમાં કેટલાક આતંકવાદી છુપાયા હોવાના અહેવાલ છે. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષાદળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે કેટલાક આતંકવાદી શ્રીનગરના પંથા ચૌકની પાસે કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં ફરી રહ્યા છે. સૂચનાના આધારે ભારતીય સુરક્ષાદળોએ સીઆરપીએફની ટીમ અને સ્થાનિક પોલીસની મદદથી વિસ્તારને ઘેરી દીધો. આ દરમિયાન આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.
હજુ પણ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક લોકોને ઘરોની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારતીય જવાન વિસ્તારમાં આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
સુરક્ષા દળોની કાર્યવાહીથી ઉશ્કેરાઈને આતંકવાદીઓએ શ્રીનગરના પંથા ચૌક પર પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત નાકા પર શનિવાર મોડી રાત્રે ફાયરિંગ કરી દીધું.
ત્યારબાદ ફાયરિંગમાં એક આતંકી ઠાર મરાયો. આ પહેલા શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા. કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક વિજય કુમાર મુજબ, શુક્રવારે શોપિયાંના કિલૌર વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદી માર્યા ગયા હતા, જ્યારે એકને પકડવામાં સફળતા મળી હતી.