શ્રીનગરમાં અથડામણમાં ૧ આતંકવાદીને ઠાર મરાયો

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતર્ગત ભલે લાઇન ઓફ કંટ્રોલ પર બંદૂકો શાંત છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થંભવાનું નામ નથી લઈ રહી. આતંકવાદીઓ કાશ્મીરમાં શાંતિને ભંગ કરવામાં વ્યસ્ત છે. જાે કે ભારતીય સૈનિકો સતત આતંકવાદીઓની યોજનાઓને નિષ્ફળ કરી રહ્યા છે. આ દરમ્યાન શ્રીનગરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આ દરમ્યાન સુરક્ષાદળો દ્વારા એક આતંકીને ઢાર કરવામાં આવ્યો છે. સુરક્ષા દળોનું ઓપરેશન હજી ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે તેની પુષ્ટિ કરી છે.
સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાવવાની માહિતી મળી હતી. જેના આધારે કાર્યવાહી કરી સુરક્ષા દળોએ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. સૈનિકોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો, ત્યારબાદ જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. સુરક્ષા દળોએ પ્રતિક્રિયા આપ્યા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું કે આ એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો છે. હજી સુધી તેની ઓળખ થઈ નથી. વળી, આ વિસ્તારમાં એકથી બે આતંકીઓ છુપાયા હોય તેવી સંભાવના છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.