શ્રીનગરમાં ઈન્સ્પેક્ટરને આતંકીઓએ ઘર પાસે જ ૩ ગોળીઓ મારી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
શ્રીનગર: શ્રીનગરમાં આતંકવાદીઓએ મંગળવારે રાત્રે સીઆઇડી ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના નૌગામ વિસ્તારમાં થઈ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નૌગામ પોલીસ સ્ટેશન વિસ્તારના કનિપોરામાં આતંકવાદીઓએ ઈન્સ્પેક્ટર પરવેઝને તેમના ઘરની પાસે જ ૩ ગોળીઓ મારી દીધી. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેઓએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
જમ્મુ કાશ્મીરના બારામૂલામાં ૧૦ દિવસ પહેલાં આતંકીઓએ પોલીસ અને ટીમ પર આડેધડ ફાયરિંગ કર્યું. આ હુમલામાં બે પોલીસ કર્મચારી શહીદ થયા હતા. બે સામાન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા. કાશ્મીરના વિજય કુમારે હુમલાની પાછળ લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો હાથ હોવાનું જણાવ્યું હતું.
સોપોરમાં માર્યા ગયેલા ત્રણેય આતંકીઓમાંથી એકની પાસે મળેલી રાઈફલ જવાનો પાસેથી ઝુંટવી લેવામાં આવી હતી. પોલીસે મંગળવારે જણાવ્યું કે આ વર્ષે માર્ચમાં જમ્મુ કાશ્મીરના લવાયપોરામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલો થયો હતો.
તેમાં ૩ જવાન શહીદ થઈ ગયા હતા. આતંકીઓ હુમલા પછી રાઈફલ પણ લઈ ગયા હતા. બારામુલા જિલ્લાના સોપોરમાં સોમવારે સુરક્ષાદળોની સાથે થયેલી અથડામણમાં ખુર્શીદ મીર, પાકિસ્તાનના અબ્દુલ્લા ઉર્ફે અસરારની સાથે મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંથી એક મુદાસિર પંડિત ઠાર થયો હતો. ત્રણેય લશ્કર-એ-તૈયબાના આતંકી હતા.
કાશ્મીર ઝોનના વિજય કુમારે જણાવ્યા મુજબ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ખુર્શીદ મીર પાસેથી મળેલી રાઈફલ લવાયપોરા હુમલામાં ઝુંટવેલી હતી. આ હુમલામાં સામેલ બીજા આતંકી નદીમ અબરારની શોધખોળ કરવામાં આવી રહી છે.