શ્રીનગર એન્કાઉન્ટરઃ બે નાગરિકોના મોત સામે લોકોના દેખાવો

નવી દિલ્હી, બે દિવસ પહેલા શ્રીનગરના હૈદરપુરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરની તપાસ માટે હવે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ તપાસના આદેશ આપ્યા છે.
આ મામલાની તપાસ એડિશનલ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સ્તરના અધિકારી કરશે.મનોજ સિન્હાએ કહ્યુ હતુ કે, રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.સરકાર નિર્દોષ નાગરિકોના જીવની રક્ષા કરવા માટે કટિબધ્ધ છે અને કોઈની સાથે કોઈ અન્યાય ના થાય તેનુ ધ્યાન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા હતા અને સાથે સાથે બે નાગરિકો અલ્તાફ બટ્ટ અ્ને મુદાસિર ગુલના પણ મોત થયા હતા.સુરક્ષાદળોએ તેમને આતંકીઓના સહાયક ગણાવ્યા હતા.
જોકે અલ્તાફ અને મુદાસિરના પરિવારજનોએ તેમની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે શ્રીનગરમાં દેખાવો કર્યા હતા અને માંગણી કરી હતી કે, તેમના મૃતદેહ અમને સોંપવામાં આવે.આ મુદ્દે લોકોએ કેન્ડલ માર્ચ પણ યોજી હતી.પરિવારજનોએ કહ્યુ હતુ કે ,માર્યા ગયેલા નાગરિકોએ આતંકીઓને કોઈ મદદ કરી નથી.અલ્તાફના ભાઈ અબ્દુલે કહ્યુ હતુ કે, હું સરકારી કર્મચારી હોવાના નાતે સતત પોલીસના સંપર્કમાં હોઉં છું અને મારો ભાઈ જો આતંકીઓને મદદ કરતો હોત તો મેં પોલીસને જાણ કરી હોત.મારો ભાઈ દોષી હશે તો હું દરેક સજા માટે તૈયાર છું.
બીજી તરફ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ડોકટર મુદાસિર ગુલના પત્નીનુ કહેવુ છે કે, પોલીસ પૂરાવો આપે કે મારા પતિ આતંકીઓને મદદ કરતા હતા.મારા પતિ ડોકટર હતા.