શ્રીલંકન નેવીએ ૧૨ ભારતીય માછીમારોની બે બોટ સાથે કરી ધરપકડ
કોલંબો, શ્રીલંકન નેવીએ ૧૨ ભારતીય માછીમારોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં બે ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી છે. માછીમારો પર શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરવાનો આરોપ છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ રવિવારે માછીમારોની ધરપકડની માહિતી આપી હતી.
શ્રીલંકાએ આ કાર્યવાહી તાલાઈમન્નરના ઉત્તરમાં સમુદ્રમાં કરી છે. નેવીએ કહ્યું કે તેઓ બોટમ ટ્રોલિંગમાં વ્યસ્ત છે. શ્રીલંકાના નૌકાદળે ૧૨ ફેબ્રુઆરીની રાત્રે થલાઈમન્નરના દરિયામાં એક ઓપરેશનના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. જેમાં ૧૨ ભારતીય માછીમારોની સાથે બે ભારતીય ટ્રોલર એટલે કે બે ફિશિંગ બોટ પણ શિકારના આરોપમાં જપ્ત કરવામાં આવી છે.
આ મહિનામાં શ્રીલંકાના જળસીમામાં ભારતીય માછીમારોની આ ત્રીજી ધરપકડ છે.આ પહેલા ૮ ફેબ્રુઆરીએ નેવીએ ૧૧ ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને ત્રણ ફિશિંગ ટ્રોલર પણ જપ્ત કર્યા હતા. ૧ ફેબ્રુઆરીએ ૨૧ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી.
બંને દેશો વચ્ચે માછીમારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તામિલનાડુને શ્રીલંકાથી અલગ કરતી પાલ્ક સ્ટ્રેટ બંને દેશોના માછીમારો માટે માછીમારીનું સારું સ્થળ છે.
ડિસેમ્બર ૨૦૨૧માં, શ્રીલંકન નેવીએ તમિલનાડુમાંથી ૬૩ ભારતીય માછીમારોની ધરપકડ કરી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. જેમાંથી ૫૩ માછીમારો જેલમાંથી મુક્ત થયા પછી પણ શ્રીલંકન સરકારના આઈસોલેશન સેન્ટરમાં છે. ૨૫ જાન્યુઆરીએ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારથી, કેટલાક લોકો કોવિડ -૧૯ થી ચેપગ્રસ્ત થયા પછી તેમને ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
એક અહેવાલ મુજબ, શ્રીલંકાના મત્સ્ય વિભાગે થોડા સમય પહેલા શ્રીલંકાના અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલી ભારતીય માછીમારી બોટની હરાજી અંગે અખબારોમાં જાહેરાત પણ કરી હતી.HS