શ્રીલંકાઃ ઇંધણની અછત દૂર કરવા ભારતે મોકલ્યું 40,000 ટન ડીઝલ
કોલબો, શ્રીલંકામાં વધતી જતી આર્થિક સમસ્યાને કારણે લોકો હવે રસ્તા પર આવીને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ શુક્રવારે ઈમર્જન્સી જાહેર કરી દીધી છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે પાટનગર કોલંબોમાં સેના તહેનાત કર્યા પછી દુકાનો ખોલવામાં આવી છે, જેથી લોકો જરૂરી સામાન ખરીદી શકે.
બીજી બાજુ, ફ્યુઅલ ક્રાઈસિસના સંકટ સામે ઝઝૂમતા શ્રીલંકાની મદદ માટે ભારતે ઓઈલ ટેન્કર મોકલ્યું છે. એ પણ શનિવારે શ્રીલંકા પહોંચી ગયું છે. સાંજ સુધીમાં ફ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે ભારતે શ્રીલંકાને 1 બિલિયન ડોલરની ક્રેડિટ આપી હતી. એ અંતર્ગત 40 હજાર ટન લઈ જનાર એક જહાજ શ્રીલંકા પહોંચ્યું છે.
રાષ્ટ્રપતિના આ નિર્ણય પછી સેના શંકાસ્પદ લોકોની કોઈપણ ફરિયાદ વગર ધરપકડ કરી રહી છે અને લાંબા સમય સુધી જેલમાં રાખી શકે છે. રાજપક્ષેની સરકારને સમર્થન આપતી 11 પાર્ટીએ કેબિનેટનો ભંગ કરીને વચગાળાની સરકાર બનાવવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે હાલની કેબિનેટ વધતી જતી મોંઘવારી પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી છે.