શ્રીલંકાના પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં ૧૦૦થી વધુ ઘાયલ
શ્રીલંકાના પ્રમુખ રાજપક્ષેના નિવાસ પર લોકોનો હલ્લાબોલ-લોકો રાષ્ટ્રપ્રમુખના ઘરમાં ઘૂસતાં અફરાતફરીઃ રાજપક્ષેને ભાગી જવાની ફરજ પડીઃ પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણમાં ૧૦૦થી વધુ ઘાયલ
કોલંબો , આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ દિવસેને દિવસે વધારે વણસી રહી છે. શ્રીલંકાની વર્તમાન સ્થિતિથી ત્રસ્ત પ્રદર્શનકારીઓએ આજે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના આવાસને ઘેરી લીધું હતું અને અંદર ધસી ગયા હતા. આ કારણે રાષ્ટ્રપતિ રાજપક્ષે પોતાનું આવાસ છોડીને ભાગી ગયા છે. સંરક્ષણ સૂત્રોએ પણ રાષ્ટ્રપતિ રાજપક્ષે ભાગી ગયા હોવાનો દાવો કર્યો છે.
પ્રદર્શનકારીઓએ સાંસદ રજિતા સેનારત્નેના ઘર પર પણ હુમલો કર્યો છે. અગાઉ ૧૧ મેના રોજ તત્કાલીન વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે સહપરિવાર ભાગી ગયા હતા. પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના સત્તાવાર નિવાસમાં ભારે તોડફોડ કરી હતી. ઉપરાંત રેલી દરમિયાન પણ શ્રીલંકન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં ૧૦૦થી પણ વધારે લોકો ઘાયલ થયા છે.
They are finally figuring out who the real target of their anger should be.
Protesters broke through the front gate of Sri Lanka’s Central Bank.
— Wall Street Silver (@WallStreetSilv) July 9, 2022
આ તરફ શ્રીલંકન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે સમગ્ર સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તથા ત્વરિત સમાધાન માટે પાર્ટીના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજી છે. વડાપ્રધાન વિક્રમસિંઘે સ્પીકર સમક્ષ સંસદ બોલાવવા અપીલ કરી હતી. શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી)ના ૧૬ સાંસદોએ પત્ર લખીને રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને તાત્કાલિક રાજીનામુ આપવા જણાવ્યું છે.
પ્રદર્શનકારીઓએ કોલંબો સ્થિત રાષ્ટ્રપતિ આવાસને બપોરના સમયે ઘેરી લીધું હતું. આ ઉપરાંત તેમણે રાજપક્ષેના સત્તાવાર આવાસ ખાતે ખૂબ જ તોડફોડ પણ કરી છે. વણસી રહેલા આર્થિક સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માગણી સાથે સરકાર સામે પ્રદર્શનો જામ્યા છે.
શુક્રવારના રોજ શ્રીલંકામાં અનિશ્ચિત કાળ માટે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત સેનાને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ પ્રમુખ ચંદના વિક્રમરત્નેએ શુક્રવાર રાતના ૯ઃ૦૦ વાગ્યાથી રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે, હજારો સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિને સત્તા પરથી દૂર કરવા માટે શુક્રવારે કોલંબોમાં પ્રવેશ કર્યો હતો. આમ શ્રીલંકામાં પણ કેપિટલ હીલ જેવી સ્થિતિ સર્જાઈ છે અને ત્યાર બાદ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે.
શુક્રવારે કર્ફ્યુ લાગુ થયો તે પહેલા પોલીસે કોલંબો ખાતે વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર ટીઅર ગેસના સેલ છોડ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો. સરકાર વિરોધી આ પ્રદર્શનોમાં ધાર્મિક નેતાઓ, રાજકીય પક્ષો, શિક્ષકો, ખેડૂતો, ચિકિત્સકો, માછીમારો અને સામાજીક કાર્યકરો પણ સામેલ છે.
ગત ૧૦ મેના રોજ શ્રીલંકાની સત્તાધારી પાર્ટી શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી)ના સાંસદ અમરકિર્તી અથુકોરાલાએ લોકોની ભીડથી ડરીને પોતાની જાતને જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. સરકાર સામે પ્રદર્શન કરી રહેલા લોકોએ નિટ્ટંબુવા ખાતે તેમની ગાડીને ઘેરી લીધી હતી. તેમની ગાડીમાંથી ફાયરિંગ કરવામાં આવતા લોકો વધારે ઉશ્કેરાયા હતા. બાદમાં સાંસદ ત્યાંથી ભાગીને એક બિલ્ડિંગમાં સંતાઈ ગયા હતા અને હજારો લોકોએ તે બિલ્ડિંગને ઘેરી લીધી હતી જેથી ડરીને તેમણે પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી.
છેલ્લા ઘણા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાના નાગરિકોની ધીરજ હવે ખૂટી ગઈ છે. આજે દેશના રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામાની માગ સાથે મોટી સંખ્યામાં લોકોએ તેમના સત્તાવાર નિવાસસ્થાન પર હલ્લાબોલ કર્યું હતું. સેંકડો લોકો રાષ્ટ્રપ્રમુખના ઘરમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે રાજપક્ષેને ભાગી જવાની ફરજ પડી હતી.
૨.૨ કરોડની વસ્તી ધરાવતા શ્રીલંકામાં વિદેશી હુંડિયામણની તંગી સર્જાવાને કારણે દેશની પ્રજાને પેટ્રોલ-ડીઝલ સહિતની જીવનજરુરી ચીજવસ્તુ માટે વલખા મારવા પડી રહ્યા છે.
દેશના વિવિધ ભાગોમાંથી લોકો આજે ખીચોખીચ ભરેલી બસો, ટ્રકો તેમજ ટ્રેનોમાં સવાર થઈને કોલંબો પહોંચ્યા હતા અને કરફ્યુની ઐસી કી તૈસી કરીને વિશાળ રેલી કાઢી હતી. આજે પોલીસ અને સામાન્ય જનતા વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ૩૦ લોકો ઘાયલ થયા છે, જેમાં બે પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.
પોલીસે ઠેકઠેકાણે ટોળાંને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હોવાના પણ અહેવાલ છે. હાલ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પૂર્વ ક્રિકેટર સનથ જયસુર્યાએ પણ પોતાનું સમર્થન આપ્યું છે. સ્થિતિ વધુ ના વણસે તે માટે શ્રીલંકાની પોલીસે અનેક વિસ્તારોમાં જડબેસલાક કરફ્યુ નાખી દીધો છે. દેશના પશ્ચિમી ભાગોમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી જ કરફ્યૂનું એલાન કરી દેવામાં આવ્યું હતું. દેશની જનતાના આકરા તેવર જાેતાં થોડા સમય પહેલા જ નિમાયેલા વડાપ્રધાન રેનિલ વિક્રમસિંઘેએ ઈમરજન્સી મિટિંગ બોલાવી છે.
સ્થાનિક ચેનલોના અહેવાલ અનુસાર, આજની રેલીનું અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું. લોકો હેલ્મેટ પહેરીને હાથમાં દેશનો ઝંડો રાખી પ્રમુખના નિવાસસ્થાને ઉમટી પડ્યા હતા. હજારો દેખાવકારોએ જાેતજાેતામાં જ પ્રમુખના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો હતો
અને રાજપક્ષે વિરુદ્ધ જાેરદાર સૂત્રોચ્ચાર શરુ કર્યો હતો. આજની રેલીને ધ્યાનમાં લેતા પ્રમુખ રાજપક્ષેને ગઈકાલે સાંજે જ સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. ૧૯૪૮માં આઝાદ થયેલા શ્રીલંકાના ઈતિહાસમાં ક્યારેય ના ઉદ્દભવી હોય તેવી આર્થિક કટોકટી આ વર્ષે જાેવા મળી રહી છે. જેના માટે દેશની જનતા રાજપક્ષેને જવાબદાર ઠેરવી રહી છે.
શ્રીલંકા પાસે વિદેશી હુંડિયામણ ખૂટી પડ્યું છે તેમજ દેશમાં ફુગાવો પણ ચરમસીમાએ પહોંચ્યો છે. લોકોને ખાવાપીવાની વસ્તુઓ ખરીદવામાં પણ તકલીફ પડી રહી છે. પેટ્રોલ અને ડીઝલની દેશમાં એ હદે તંગી છે કે સરકારે લોકોને ઘરેથી જ કામ કરવાનું કહી ઓફિસ આવવા પર મનાઈ ફરમાવી છે. દેશના મોટાભાગના પેટ્રોલંપપો બંધ થઈ ગયા છે, અને જે ચાલુ છે ત્યાં પણ એટલી બધી લાઈનો લાગે છે કે લોકોને પેટ્રોલ માટે કલાકો સુધી રાહ જાેવી પડે છે.