શ્રીલંકાના પ્રવાસે આવેલી ટીમ ઈન્ડિયા બી ટીમ નથી
કોલંબો: ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે પહોંચી ગઈ છે.જાેકે તાજેતરમાં શ્રીલંકાની ટીમના પૂર્વ કેપ્ટન અર્જુન રણતુંગાએ એવુ આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ કે, ભારતે શ્રીલંકામાં બી ટીમ મોકલીને શ્રીલંકાનુ અપમાન કર્યુ છે.
આ નિવેદનથી બધાને આશ્ચર્ય થયુ હતુ.કારણકે ભારતે મોકલેલી ટીમના ૧૪ સભ્યો આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે.જાેકે હવે શ્રીલંકાના અન્ય એક દિગ્ગજ ક્રિકેટર અને બેટસમેન અરવિંદ ડી સિલ્વાએ જ રણતુંગાના દાવાનો છેદ ઉડાડીને કહ્યુ છે કે, ભારતીય ક્રિકેટ પાસે એટલી હદે ઉંડાઈ છે કે, શ્રીલંકાના પ્રવાસે આવેલી ભારતીય ટીમને બી ટીમ કહી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, ભારતના પ્રવાસનો પ્રારંભ ૧૩ જુલાઈથી થશે.બીજી તરફ ભારતની અન્ય એક ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે.દરમિયાન ડિ સિલ્વાએ કહ્યુ હતુ કે, ભારત પાસે ટેલેન્ટની અછત નથી એટલે શ્રીલંકા આવેલી ભારતની ટીમને બી ટીમ કહી શકાય નહીં. દુનિયાભરમાં એમ પણ રોટેશનના આધારે ખેલાડીઓની પસંદગી થઈ રહી છે.કારણકે સતત બાયોબબલમાં રહેવુ આસાન નથી.યુવા ખેલાડીઓ માટે માનસિક રીતે પણ પડકારજનક છે.
ડિ સિલ્વાએ કહ્યુ હતુ કે, ભવિષ્યમાં પણ આવુ જ થશે.કદાચ આપણે બી કે સી ગ્રેડની ટીમ મોકલીશું તો પણ તે બી કે સી ગ્રેડની નહીં ગણાય.કારણકે આ રોટેશન પોલિસીનો જ એક ભાગ હશે.ભારતની ટીમના ૨૦માંથી ૧૪ પ્લેયર આંતરરાષ્ટ્રિય ક્રિકેટ રમી ચુકયા છે.આમ આ બી ટીમ તો નથી જ.