શ્રીલંકાને હરાવી ભારતનો ૨-૦થી ટેસ્ટ શ્રેણીમાં વિજય
બેંગ્લોર, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને બે મેચની શ્રેણીમાં એકતરફી જીત નોંધાવી હતી. ભારતે રમતના ત્રીજા દિવસે ૨૩૮ રનથી મેચ જીતી લીધી હતી અને બીજા દાવમાં મુલાકાતીઓને ૨૦૮ રનમાં ઓલઆઉટ કર્યા હતા.
અત્યાર સુધી રમાયેલી કુલ ચાર ડે-નાઈટ ટેસ્ટમાં ભારતની આ ત્રીજી જીત છે. ૨૦૧૭માં, ભારતે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે જીતની ગાથા લખી હતી. ભારત દ્વારા ૨૦૨૧ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર બીજી ડે-નાઈટ ટેસ્ટ રમાઈ હતી, જ્યાં તેને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેણે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ઈંગ્લિશ ટીમને હરાવી હતી. ભારતની જેમ, આ પણ શ્રીલંકાની ચોથી ગુલાબી બોલની ટેસ્ટ હતી, જેમાં તેનો રેકોર્ડ હવે ૨-૨ છે.
ભારતે શ્રીલંકાને ૨-૦થી હરાવી ઘરઆંગણે સતત ૧૫મી શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ૨૦૧૨ થી અત્યાર સુધી ભારત તેની ધરતી પર એકપણ ટેસ્ટ શ્રેણી હારી નથી. ઇંગ્લેન્ડે છેલ્લી વખત ભારતને હરાવ્યું હતું. એ ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતો. ત્યારથી ભારતનો વિજય ચાલુ છે. અન્ય કોઈ ટીમે આવું પ્રદર્શન કર્યું નથી. ઓસ્ટ્રેલિયા બીજા નંબર પર છે. કાંગારૂ ટીમે સતત ૧૦ ટેસ્ટ શ્રેણી બે વખત જીતી છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શ્રેયસ ઐયર (૯૨ રન, ૯૮ બોલ)ની હિંમતભરી ઇનિંગને કારણે વિપરીત સ્થિતિમાં ૨૫૨ રન બનાવ્યા હતા.
બાદમાં તે જ દિવસે શ્રીલંકાની ૮૬ રનમાં ૬ વિકેટ પણ પડી ગઈ હતી. બીજા દિવસે અડધા કલાકમાં જ શ્રીલંકાની ટીમ માત્ર ૧૦૯ રનમાં સમેટાઈ ગઈ હતી. ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે (૫/૨૪) ટેસ્ટ ક્રિકેટમાં આઠમી વખત અને ઘરઆંગણે પ્રથમ વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી. ભારત સામે શ્રીલંકન ટીમનો આ બીજાે સૌથી ઓછો સ્કોર હતો. શ્રેયસ અય્યરે બીજી ઇનિંગમાં પણ ભારત માટે અડધી સદી ફટકારી હતી.
રિષભ પંતે પણ ઝડપી ફિફ્ટી બનાવી હતી. ટીમ ઈન્ડિયાએ ૩૦૩/૯ના સ્કોર પર દાવ ડિકલેર કર્યો અને શ્રીલંકાની સામે ૪૪૭ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો.
ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભે જાેરદાર અડધી સદી ફટકારી અને ૪૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તેણે ૨૮ બોલમાં તેની ફિફ્ટી પૂરી કરી અને ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બન્યો. તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ (૩૦ બોલ)નો ભારતીય રેકોર્ડ તોડ્યો હતો.
કપિલે ડિસેમ્બર ૧૯૮૨માં કરાચીમાં પાકિસ્તાન સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. પંતે પોતાની ઇનિંગમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત પંતે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપર દ્વારા સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.
મોહાલીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ ભારતે જીત મેળવી હતી. ત્યારબાદ શ્રીલંકાને ફોલોઓન રમવાની ફરજ પડી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ૫૭૪ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં રવિન્દ્ર જાડેજાની ૧૭૫ રનની અણનમ ઈનિંગનો સમાવેશ થાય છે. જાડેજાએ બોલિંગમાં પણ શ્રેષ્ઠતા દાખવી શ્રીલંકાની પ્રથમ ઇનિંગમાં ૫ અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી.
શ્રેયસ અય્યરે બીજી શાનદાર ઇનિંગ રમીને લોકોનું મનોરંજન કર્યું. તેણે ૬૭ રન બનાવ્યા હતા. આ તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી અડધી સદી હતી. રોહિત શર્મા (૪૬) અને મયંક અગ્રવાલે (૨૨) બીજી ઇનિંગમાં પ્રથમ વિકેટ માટે ૪૨ રન જાેડીને ભારતને સારી શરૂઆત અપાવી હતી. રોહિત રંગમાં દેખાતો હતો અને તેણે આત્મવિશ્વાસ સાથે સ્વીપ અને રિવર્સ સ્વીપ રમીને સ્પિનરો સામે કેટલીક આકર્ષક બાઉન્ડ્રી ફટકારી હતી.
જાે કે, ઓફ સ્પિનર ડી’સિલ્વાલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા એન્જેલો મેથ્યુસને બાઉન્ડ્રી પર સરળ કેચ આપ્યો હતો. ત્યારબાદ હનુમા વિહારી (૩૫) અને વિરાટ કોહલી (૧૩) પણ સસ્તામાં આઉટ થયા હતા.SSS