શ્રીલંકામાં ઈંધણ માટે લાઈનો, રોજ દસ કલાકનો પાવર કટ

કોલંબો, શ્રીલંકામાં વ્યાપેલી ભીષણ આર્થિક તંગીના કારણે લોકોએ ઈંધણ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને વીજકાપના કારણે સાંજે મીણબત્તીના પ્રકાશનો સહારો લેવો પડે છે. શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ સમાપ્ત થઈ ગયો હોવાથી ખૂબ જ જરૂરી દવાઓથી માંડીને સીમેન્ટ સહિતની વસ્તુઓની આયાત માટે ચુકવણી કરવી મુશ્કેલ બની છે.
લોકો વહેલી પરોઢથી જ ઈંધણ માટે લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને ખાવા-પીવાની ચીજ-વસ્તુઓના ભાવ આભને આંબી રહ્યા હોવાથી લોકો માટે પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. લોકોએ આકરા તાપમાં પણ કેરોસીનની લાઈનમાં ઉભા રહેવું પડે છે જેથી ઘરે ચૂલો સળગાવી શકાય. ભૂખ્યાં-તરસ્યાં અને બળબળતા તાપમાં ઉભા રહેવાના કારણે અનેક લોકો ચક્કર ખાઈને નીચે પણ પડી રહ્યા છે.
બંદરો પર પાર્ક થયેલા ટ્રક ખાવા-પીવાની વસ્તુઓ અને બિલ્ડિંગ મટીરિયલને અન્ય શહેરો સુધી પહોંચાડવા માટે અને ચાના પાકને બંદરો સુધી પહોંચાડવા માટે અસમર્થ બન્યા છે. અનેક બસ પણ નિષ્ક્રિય પડી છે અને હોસ્પિટલોએ રૂટિન સર્જરીઓને થોડા સમય માટે સ્થગિત કરી દીધી છે.
પેપરની અછતના કારણે શાળાઓએ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ મોકૂફ રાખવી પડી છે. દરિયા વડે ઘેરાયેલા આ ટાપુ દેશના પબ્લિક યુટિલિટી કમિશનના કહેવા પ્રમાણે આજથી લોકોએ દરરોજ ૧૦ કલાકનો પાવર કટ સહન કરવો પડશે. સીલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડના કહેવા પ્રમાણે ઈંધણની અછત અને જનરેટર્સની અપ્રાપ્યતાના પરિણામે અપૂરતા પાવર જનરેશનને લીધે આ પ્રકારે વ્યવસ્થાપન કરવાની ફરજ પડી છે.SSS