શ્રીલંકા કટોકટીઃ પૂર્વ પીએમ રાજપક્ષે દેશ નહીં છોડી શકે

કોલંબો, શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીની વચ્ચે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષે અને તેમના સાથીદારોને દેશ નહીં છોડવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.
શ્રીલંકામાં સરકારનો વિરોધ કરી રહેલા દેખાવકારો પર રાજપક્ષેના સમર્થકોએ હુમલો કર્યા બાદ ઠેર ઠેર હિંસા ભડકી ઉઠી હતી અને દેશમાં તણાવનો માહોલ છે. રાજપક્ષેએ પીએમ તરીકે રાજીનામુ આપ્યા બાદ પણ લોકોનો ગુસ્સો શાંત થયો નથી.
લોકોના ટોળાએ પીએમ હાઉસના ટેમ્પલ ટ્રીમાં ઘુસીને આગચંપી પણ કરી હતી અને એ બાદ વિશેષ હેલિકોપ્ટર મારફતે રાજપક્ષેને અને તેમના પરિવારને શ્રીલંકાના એક નેવલ બેઝ પર ખસેડવામાં આવ્યા હતા. ત્યારથી તેઓ ત્યાં જ છે. જોકે આ નેવલ બેઝને પણ લોકોએ ઘેરી રાખ્યુ છે.
મહિન્દા રાજપક્ષે ભારત ભાગી ગયા હોવાની અફવા પણ ઉટી હતી અને તે પછી શ્રીલંકા સ્થિત ભારતીય દૂતાવાસે આ અફવાને રદિયાઓ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં આર્થિક કટોકટી બાદ શરૂ થયેલા વિરોધના પગલે ગત સોમવારે રાજપક્ષે પીએમ તરીકે રાજીનામુ આપી ચુકયા છે.