શ્રીલંકા નાદારી જાહેર કરી શકે છે ! મોંઘવારી અને ભૂખમરાથી લોકો ત્રસ્ત

કોલંબો, પાડોશી દેશ શ્રીલંકા ચીન સહિત અનેક દેશોના દેવામાં ડૂબીને નાદારી જાહેર કરી શકે છે. દેશમાં મોંઘવારી લોકોને ભૂખમરા તરફ ધકેલી રહી છે. અહીં રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને છે. એક કિલો ખાંડની કિંમત ૨૯૦ રૂપિયા છે. ચોખા તમને ૫૦૦ રૂપિયા પ્રતિ કિલો મળે છે. આશ્ચર્યની વાત એ છે કે ૪૦૦ ગ્રામ દૂધ માટે ૭૯૦ રૂપિયા ચૂકવવા પડે છે.
શ્રીલંકામાં ભૂખ અને નિરાશાનો સામનો કરી રહેલા કેટલાક પરિવારો ગેરકાયદેસર રીતે ભારત આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને ભારત લાવવાના બદલે માછીમારોએ તેમની પાસેથી ૫૦ હજારથી ૩ લાખ રૂપિયા લીધા હતા. મંગળવારે લગભગ ૧૬ શ્રીલંકન લોકો દરિયાઈ માર્ગે ભારત પહોંચ્યા હતા.
તેમાંથી એક દંપતી ચાર મહિનાના બાળકને લઈને અહીં આવ્યું છે. અધિકારીઓએ તેમની ઓળખ ૨૪ વર્ષીય ગજેન્દ્ર અને ૨૨ વર્ષીય મેરી ક્લેરિન્સ તરીકે કરી છે. તેની સાથે ચાર માસનો પુત્ર નિજથ પણ હતો.
જાન્યુઆરીમાં શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર ૭૦% ઘટીને ઇં૨.૩૬ બિલિયન થયો હતો. શ્રીલંકાએ આગામી ૧૨ મહિનામાં ઇં૭.૩ બિલિયન (લગભગ રૂ. ૫૪,૦૦૦ કરોડ)નું સ્થાનિક અને વિદેશી દેવું ચૂકવવાનું છે. આમાં, કુલ દેવાના લગભગ ૬૮% ચીનનું છે. તેણે ચીનને ૫ અબજ ડોલર ચૂકવવાના છે.
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે તેના પાડોશી દેશને ઇં૯૦૦ મિલિયનથી વધુની લોન આપવાની જાહેરાત કરી છે. તેનાથી દેશને વિદેશી મુદ્રા ભંડાર વધારવા અને ખાદ્યપદાર્થોની આયાત કરવામાં મદદ મળશે.HS