‘શ્રી અન્ન’ (મીલેટ્સ)ની વાનગીઓના પ્રદર્શનમાં 2318 જાતની વાનગીઓ
અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ‘શ્રી અન્ન’ (મીલેટ્સ)ની વાનગીઓનું પ્રદર્શન અને સ્પર્ધા યોજાયા
750 જેટલા આંગણવાડી કાર્યકર બહેનોએ શ્રી અન્ન (મીલેટ્સ)ના આ કાર્યક્રમમાં ભાગ લીધો
અમદાવાદ જિલ્લા પંચાયતમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મિલેટ્સમાંથી બનતી વાનગીઓ અંગેની જુદા જુદા સ્તરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતની પરંપરાગત ખેત પેદાશો ‘શ્રી અન્ન’ (મિલેટ)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં આઇ.સી.ડી.એસ. શાખાના કુલ 60 સેજાઓમાં ‘શ્રી અન્ન’ (મિલેટ)ની વાનગીઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા કુલ 2318 જુદી જુદી વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. સેજા કક્ષાએ 1થી 3 નંબર આપીને ઈનામ તથા પ્રમાણપત્રથી આ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં તેમજ અમદાવાદ ગ્રામ્યના 12 ઘટક કક્ષાએ ‘શ્રી અન્ન’ (મિલેટ) વાનગી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમા 540 વાનગીઓ બનાવીને નિદર્શન કરવામાં આવી હતી. ઘટક કક્ષાએ પણ 1થી 3 નંબર આપીને ઈનામ તથા પ્રમાણપત્રથી આ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આઇ.સી.ડી.એસ. શાખાના 750 જેટલાં આંગણવાડી કાર્યકર બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અમદાવાદ જિલ્લાના 12 ઘટકોમાંથી કુલ 36 વાનગીઓ નિદર્શનમાં આવી હતી, જેમાં પ્રથમ નંબર ઘટક માંડલના નાના ઉભડ આંગણવાડી કેન્દ્ર નંબર 2ના કાર્યકર નીતાબહેન, બીજા નંબરે દસક્રોઈ-2ના કુહવા આંગણવાડી કેન્દ્ર-5ના કાર્યકર બહેન અને ત્રીજો નંબર સાણંદ-2ના માધવનગર કેન્દ્ર નંબર-3ના કાર્યકર બહેનને મળ્યો હતો.
આ બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં તથા આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ આંગણવાડી કેન્દ્રોના બહેનોને પણ ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લાકક્ષાના આ ‘શ્રી અન્ન’ (મિલેટસ) કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.કે. દવે, મહિલા અને બાળ કમિટીના ચેરમેનશ્રી, ડેપ્યુટી ડીડીઓશ્રી, વિકાસ, ડેપ્યુટી ડીડીઓશ્રી, પંચાયત અને આઇ.સી.ડી.એસ. વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્વદીપ સંસ્થાના ડાયરેક્ટરશ્રીએ હાજરી આપી હતી.