Western Times News

Gujarati News

શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી

કાગવડ, યોગ ભગાવે રોગના સૂત્રને સાર્થક કરવા વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા રોગ આધારિત યોગ મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરાયું હતું.લોકોના બહોળા પ્રતિસાદને ધ્યાને લઈને આવતીકાલે પણ રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા મિલેનિયમ ટાવરની બાજુના વિશાળ મેદાનમાં યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આવતીકાલે પણ યોગ મહોત્સવમાં બહોળી સંખ્યામાં હાજરી આપવા માટે સર્વ જ્ઞાતિના ભાઈઓ-બહેનોને અપીલ કરવામાં આવી છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યોગ મહોત્સવ-૨૦૧૯નું આયોજન કરાયું છે. ૨૧ જૂને વિશ્વ યોગ દિવસ નિમિત્તે રોગ આધારિત યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ મહોત્સવના પ્રથમ દિવસે ૨૧ જૂનના રોજ દિપ પ્રાગટ્ય સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી. દિપ પ્રાગટ્ય બાદ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. રાષ્ટ્રગાન બાદ વડોદરાના કાયાવરોહણ તીર્થ સેવા સમાજના યોગાચાર્ય સ્વામી મુક્તાનંદજી (શ્રી અનંતદેવજી) દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો. યોગ મહોત્સવમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી. રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલ પાસે આવેલા મિલેનિયમ ટાવરની બાજુના વિશાળ મેદાનમાં સવારે ૬ વાગ્યાથી ૭ઃ૩૦ વાગ્યા યોગાસન કરાયા હતા. વડોદરાના કાયાવરોહણના યોગાચાર્ય સ્વામી મુક્તાનંદજીએ હાજર લોકોને વિવિધ આસન, પ્રાણાયામ સાથે યોગા અભ્યાસ કરાવ્યો હતો. ભાઈઓ-બહેનો માટે અલગ યોગા અભ્યાસની સુવિધા કરાઈ. એલઈડી સ્ક્રીન અને સરાઉન્ડીંગ સાઉન્ડ સિસ્ટમની સુવિધા પણ યોગ શિબિરમાં રાખવામાં આવી હતી. યોગાભ્યાસ બાદ લોકોને આયુર્વેદિક ઉકાળો અને જ્યુસ પણ આપવામાં આવ્યું હતું.

યોગ મહોત્સવમાં હાજર રહેલા લોકોએ શરીરને રોગમુક્ત અને સ્વસ્થ રાખવા માટે યોગ કર્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત યોગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પણ યોગ મહોત્સવમાં હાજરી આપી હતી.આર્ષ મહાવિદ્યાલયના સ્વામી પરમાનંદજી અને જાણીતા હાસ્ય કલાકાર સાંઈંરામભાઈ દવેએ પણ યોગ મહોત્સવમાં હાજર રહી યોગ કર્યા હતા. આ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ, શ્રી ખોડલધામના કન્વીનરો, શ્રી ખોડલધામ મહિલા સમિતિના સભ્યો, રાજકોટના શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યોના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.