Western Times News

Gujarati News

શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં ફરકાવવામાં આવ્યો 1551 ફૂટ લાંબો, 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ

સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવનાર વિશ્વનું પ્રથમ મંદિર બન્યું શ્રી ખોડલધામ-પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કોરોના વોરિયર્સના સન્માનમાં ગાંધીનગરના રાધે રાધે પરિવારે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

કાગવડ, રાજકોટઃપ્રજાસત્તાક પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે કોરોના વોરિયર્સના સન્માનમાં સૌથી લાંબો 1551 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.

ગાંધીનગરના રાધે રાધે પરિવારના કાર્યકરો દ્વારા 26મી જાન્યુઆરી નિમિત્તે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મા ખોડલનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં પણ સુશોભન કરવામાં આવ્યું હતું.

26મી જાન્યુઆરીના દિવસે કોરોના વોરિયર્સના સન્માનમાં સવારે 9 કલાકે શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં આવેલા મુખ્ય પ્રવેશદ્વારથી મંદિર સુધી આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. 300 જેટલા કાર્યકરો મુખ્ય પ્રવેશદ્વારથી રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિની ધૂન સાથે મંદિર સુધી પહોંચ્યા હતા.

મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ રાષ્ટ્રધ્વજ પરત મુખ્ય પ્રવેશદ્વાર સુધી લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. મંદિરે દર્શન કરવા આવેલા ભક્તોએ પણ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

પ્રજાસત્તાક દિવસે યોજાયેલા આ કાર્યક્રમમાં રાધે રાધે પરિવારના સભ્યો સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પણ જોડાયું હતું.અને સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવીને કોરોના વોરિયર્સને અનોખી રીતે સન્માન આપ્યું હતું.

શ્રી ખોડલધામ મંદિર ખાતે ફરકાવવામાં આવેલો આ રાષ્ટ્રધ્વજ ગુજરાતનો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ છે. શ્રી ખોડલધામ વિશ્વનું પ્રથમ એવું મંદિર બન્યું છે જ્યાં સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હોય. વિશ્વના મંદિરોના ઇતિહાસમાં ક્યારેય પણ આટલી લંબાઈ અને પહોળાઈ ધરાવતો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નથી.

2017માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળે નિર્ણય લઈને શ્રી ખોડલધામ મંદિરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. અને શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જ્યાં ધર્મ ધજાની સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકી રહ્યો છે.

શ્રી ખોડલધામ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર દરરોજ માન સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે. 21 જાન્યુઆરી 2017ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક સાથે સૌથી વધુ લોકોએ રાષ્ટ્રગાન ગાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જે આજ દિન સુધી અકબંધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.