શ્રી ઝાલાવાડી ફાઉન્ડેશન, ગોધરા દ્વારા ઝાલાવાડી રત્નાકર મહોત્સવ યોજાયો
ગોધરા, શ્રી ઝાલાવાડી સઇ-સુથાર જ્ઞાતિ દ્વારા સમાજમાં ઉત્તમ કાર્ય કરનાર જ્ઞાતિની વ્યકિતને ઝાલાવાડી રત્નાકર એવાર્ડ આપી સન્માન કરવાનો અને જ્ઞાતિનો સ્નેહ મિલન તથા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો એક સુંદર કાર્યક્રમ દશા શ્રીમાળી વાડી ગોધરા ખાતે યોજાયો હતો.
કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદઘાટન ગોધરાના સાંસદ શ્રી રતનસિહ રાઠોડ તથા સાહિત્યકાર શ્રી પ્રવિણ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. મા. રતનસિહ રાઠોડે દરજી જ્ઞાતિના આ કાર્યક્રમને આવકારી ગમે ત્યારે જરૂર હોય ત્યારે હાજર રહેવા અને જરૂર પડયે મદદરૂપ થવા ખાતરી આપી સમાજનો ઉત્સાહ વધાર્યો હતો.
મા.પ્રવિણભાઇ દરજીએ જ્ઞાતિના બાળકોના ભવિષ્ય નિર્માણ માટે જી.પી.એસ.સી. જેવી પરીક્ષાઓની તૈયારી કરી આગળ વધવા પ્રેરણા અને માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં બાળકોની વિવિધ કોમ્પિટીશન રાખી તેમને ઇનામ આપી પ્રાત્સાહિત કરવામાં આવ્યા હતા. તથા કાર્યક્રમની સાથે સાથે રેડક્રોસ , ગોધરાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં ૧૩ (તેર) બોટલો લોહી એકત્ર થયું હતું .
વધુમાં કાર્યક્રમમાં જ્ઞાતિબંધુઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે મા અમુતમ યોજના, આયુષ્યમાન યોજના, વૃદ્ભ સહાય જેવી યોજનાઓની માહીતી તથા ફોર્મ વિતરણ પણ કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં જ્ઞાતિના ૧૫ જેટલી વ્યકિતઓ કે જેમણે સામાજિક ઉત્થાનની કામગીરી કરી જ્ઞાતિનું નામ રોશન કરેલ છે તેમને ઝાલાવાડી ફાઉન્ડેશન દ્વારા રત્નાકર એવોર્ડ આપી પ્રત્સાહિત અને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ તથા જ્ઞાતિમંડળના પ્રમુખશ્રીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ પ્રકાશિત ″જીવનરંગ ″પુસ્તકના લેખિકા અને વેસ્ટર્ન ટાઇમ્સ, ઉદય ગુજરાત, પંચમહાલ સમાચાર જેવા દૈનિકોના કોલમિસ્ટ તથા સિનીયર પત્રકાર જિજ્ઞાબેન કપુરિયાનું અભિવાદન અને એવાર્ડ માહિતીખાતાના શ્રીમતી કોકિલાબેન સુતરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આખા જ કાર્યક્રમનું સફળ સંચાલન ઝાલાવાડી ફાઉન્ડેશન, ગોધરાના પ્રમુખશ્રી જીગરભાઇ ઝીંઝુવાડિયા તથા ઉપ પ્રમુખશ્રી ઇન્દ્રવદનભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યુ હતું.