શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા વિદ્યાર્થીઓનું કેળવણી મંડળનો યોજાયેલ ઇનામ વિતરણ સમારોહ
ભણતરની સાથે ગણતર-સંસ્કાર કેળવણી માટે ખૂબ જ જરૂરી છે – પ્રકાશભાઇ શાહ
નડીઆદ – કેળવણી માટે ભણતરની સાથે ગણતર અને સંસ્કાર ખૂબ જ જરૂરી છે. જીવનમાં આગળ વધવા માટે માત્ર ભણતર કામ નથી આવતું તેની સાથે ગણતર અને સંસ્કારો હોવા પણ જરૂરી છે. સંસ્કારો આપણને માતા-પિતા-શિક્ષકો અને સમાજમાંથી પ્રાપ્ત થાય છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં પોતાનો બાળક શું કરે છે તેની ઉપર માતા-પિતાએ ધ્યાન રાખવાની જરૂરિયાત હોવાનું જણાવી વાલીઓએ પોતાનું બાળક જે વિષયમાં કે ફિલ્ડમાં રસ ધરાવતો હોય તે વિષયમાં તે આગળ વધે તે માટે પ્રોત્સાહન પુરૂં પાડવા શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા વિદ્યાર્થીઓનું કેળવણી મંડળના યોજાયેલ ઇનામ વિતરણ સમારોહના અતિથિવિશેષપદેથી શ્રી પ્રકાશભાઇ જી. શાહે કહ્યું હતું.
શ્રી શાહે દિન-પ્રતિદિન શિક્ષણનો ખર્ચ વધી રહ્યો છે ત્યારે સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને તે ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે સમાજે પોતાનું એક શૈક્ષણિક સંકુલ ઉભું કરવા વિચારણા કરવી જોઇએ તેવું સૂચન કરી સમાજના બાળકોને પ્રોત્સાહન મળે તે માટે કેળવણી મંડળ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ખરેખર અભિનંદનીય છે તેમ જણાવી ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓનું ભાવિ જીવન ઉજજવળ બને અને શૈક્ષણિક ક્ષેત્રે ઉન્નતિના ઉચ્ચ શિખરો સર કરી જ્ઞાતિને ગૌરવ પ્રદાન કરશે તેવી મનોકામના વ્યકત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જ્ઞાતિજનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ તેનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવી શકાય જેવા વિવિધ મુદ્દાઓની સમજ મળી રહે તે માટે ખાસ નડીઆદના સમાજ કલ્યાણ વિભાગના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી શ્રી અશ્વિનભાઇ પરમાર વિશેષ ઉપસ્થિત રહીને બિન અનામત શૈક્ષણિક અન આર્થિક વિકાસ નિગમની વિવિધ યોજનાઓ સહિત શિષ્યવૃત્તિ, લોન, ઉચ્ચ શિક્ષણ અને નોકરીઓમાં જરૂરી પ્રમાણપત્ર મેળવવા અંગે વિગતવાર સમજ આપી હતી જેમાં જ્ઞાતિજનોએ રસપૂર્વક ભાગ લઇને તેમને મુંઝવતા પ્રશ્નો પણ પૂછયાં હતા જેનો શ્રી પરમારે હકારાત્મક પ્રતિભાવ આપી મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
જ્ઞાતિ પ્રમુખ શ્રી રવિભાઇ શાહે ઇનામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધી સમાજનું નામ રોશન કરે તેવા શુભાશિષ પાઠવી સમાજ કલ્યાણ અધિકારી દ્વારા બિન અનામત વર્ગો માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓની જયારે આપણને વિગતવાર જાણકારી પ્રાપ્ત થઇ છે ત્યારે તેનો આપણે સૌએ મહત્તમ લાભ લેવો જોઇએ તેમ કહ્યું હતું.
પ્રારંભમાં કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઇ શાહે સ્વાગત પ્રવચન કરી કેળવણી મંડળની કામગીરીની વિગતો આપી બિનઅનામત વર્ગો માટે રાજય સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેની જાણકારીના અભાવે સમાજના લોકો તેના લાભોથી વંચિત રહેતા હોય છે ત્યારે સમાજના લોકો આવી યોજનાઓથી વાકેફ થાય તે માટે આજે ખાસ ઇનામ વિતરણ સમારોહમાં યોજનાઓની જાણકારી આપવામાં આવનાર છે
ત્યારે આ યોજનાઓથી માહિતગાર થઇ તેનો લાભ લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે કેળવણી મંડળ દ્વારા ધો. ૧ થી ૧૨ અને સ્નાતક તથા અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરી જ્ઞાતિમાં પ્રથમ અને દ્વિતીય સ્થાન હાંસલ કરનાર જ્ઞાતિના તેજસ્વી તારલાંઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, રોકડ પુરસ્કાર અને અભ્યાસમાં ઉપયોગી સ્કૂલ બેગ, ટ્રાવેલબેગ, પેન, કંપાસ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કારોબારી સભ્ય સર્વ શ્રી પી.ઓ.શાહ, યોગશ બી. શાહ, જયેશભાઇ શાહે કર્યું હતું. મહેમાનનો પરિચય શ્રી રાકેશભાઇ શાહે આપ્યો હતો જયારે અંતમાં આભારવિધિ કેળવણી મંડળના મંત્રી શ્રી ભાવિક શાહે કરી હતી. સમગ્ર કાર્યક્રમને કેળવણી મંડળના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમમાં જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, દાતાશ્રીઓ, ઇનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.