શ્રી શ્રી અનંતાનંદ આશ્રમ, વહેલાલ ખાતે તા.૨૮મીથી ‘અનંત અમૃત મહોત્સવ’ યોજાશે
શ્રી શ્રી મા અનંતાનંદતીર્થજીના પ્રાગટ્ય દિન નિમિત્તે પાંચ દિવસીય આયોજન
મહામૃત્યુંજય હોમાત્મક યજ્ઞ સાથે સાત કરોડથી વધુ થયેલા મહામૃત્યુંજય મંત્રજાપ ‘પૂજ્ય મા’ને અર્પણ કરાશે
શ્રી શ્રી મા અનંતાનંદ આશ્રમ, વહેલાલના સંસ્થાપક પરમ પૂજ્ય શ્રી શ્રી મા અનંતાનંદતીર્થજીના પ્રાગટ્ય દિન પ્રસંગે તા.૨૮મી ડિસેમ્બરથી તા.૧ જાન્યુઆરી, ૨૦૨૦ દરમિયાન ‘અનંત અમૃત મહોત્સવ’ની ઉજવણી આશ્રમ ખાતે કરાશે. જે નિમિત્તે ‘મહામૃત્યુંજય હોમાત્મક યજ્ઞ’, પ્રણવ પારદેશ્વર મહાદેવની પરિક્રમા, ધ્વજારોહણ, સત્સંગ જપ યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન ગાંધીનગર નજીક આવેલા વહેલાલ ખાતે કરાયું છે.
આ નિમિત્તે ‘અનંત જપ’ બેંકમાં ભક્તો દ્વારા જમા થયેલા સાડા સાત કરોડથી વધુ મહામૃત્યુંજય જપ રાશિ પૂજ્ય માને અર્પણ કરવામાં આવશે. આ મહોત્સવમાં શિહોરના પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી, આણંદના પૂજ્ય માધવતીર્થ મહારાજ, તત્ત્વતીર્થના સ્વામી વિદિતાત્માનંદજી સરસ્વતી અને શિવાનંદ આશ્રમના અધ્યક્ષ પૂજ્ય સ્વામી અધ્યાત્માનંદ સરસ્વતીજી સહિત સંતોના આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થશે.
દરરોજ રાત્રે ભજન, નિત્ય સાયં જપયજ્ઞ યોજાશે. સાથે જ અંતિમ દિવસે, તા.૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ હનુમાન ચાલીસાના સામૂહિક પાઠનું આયોજન કરાયું છે. સાથોસાથ ભારતભરમાંથી અને વિદેશથી સમસ્ત શ્રી શ્રી મા પરિવારના ભક્તો દ્વારા મહોત્સવમાં ઉપસ્થિત રહેલા આશ્રમ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
*આકર્ષણો* :
પ્રથમ દિવસે શોભાયાત્રા સવારે ૭.૦૦ વાગ્યે ત્યારબાદ શુભ સમયે મહામૃત્યુંજય હોમાત્મક યજ્ઞનો પ્રારંભ
દ્વિતીય દિવસે પૂજ્યપાદ શ્રી શ્રી માનો સત્સંગ સાંજે ૪.૦૦થી ૬.૦૦
તૃતીય દિવસે પ્રણવ પારદેશ્વર મહાદેવની પરિક્રમા-ધ્વજારોહણ બપોરે ૧૨.૩૯ વાગ્યે
ચતુર્થ દિવસે રુદ્રાભિષેક સવારે ૬.૩૦થી
પાંચમા દિવસે અન્નકૂટ દર્શન સવારે ૮.૦૦થી, પ્રેમોત્સવ : દીપ પ્રાગટ્ય સવારે ૯.૦૦થી, બપોરે ૧.૦૦ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પ.