શ્રી સ્વામીનારાયણ મંદિર- કાલુપુર દ્વારા આયોજીત “દ્રિશતાબ્દી પર્વ મહોત્સવ“માં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
‘’શ્રી સ્વામીનારાયણ સંપ્રદાય રાષ્ટ્રઘર્મ સાથે પરોપકાર અને પરમાર્થ માટે સમાજજીવનને પ્રેરણા આપે છે.’’ રાજયપાલ
ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે શ્રીસ્વામીનારાયણ મંદિર, કાલુપુર – અમદાવાદ દ્વારા યોજાયેલ દ્રિ-શતાબબ્દી પર્વ મહોત્સવમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, સ્વામીનારાયણ સંપ્રદાય રાષ્ટ્રઘર્મ સાથે પરોપકાર અને પરમાર્થ માટે સમાજ જીવનને પ્રેરણા આપે છે.
રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામીનારાયણે શિક્ષાપત્રી જેવા પવિત્ર ગ્રંથો દ્વારા ઉપદેશ આપીને સાત્વિક જીવનની કળાનું દર્શન કરાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વામીનારાયણ સંપ્રદાયે રાષ્ટ્રવાદી અને ભારતીય જીવન મૂલ્યો સંપન્ન યુવાપેઢીના નિર્માણ માટે પુરૂષાર્થ કર્યો છે.
ભૌતિક જીવનના સુખનો ત્યાગ કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ લોકોમાં કલ્યાણ માટે સંસારનો ત્યાગ કરી સમાજ કલ્યાણને જ જીવનનું ધ્યેય બનાવ્યું છે. સંતો ઘર્મના સંસ્કારો, જીવન મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ સાથે સમગ્ર સમાજને જોડવાનું કાર્ય કરી રહ્યા છે. જે આપણું ગૌરવ સૌભાગ્ય છે.
રાજયપાલશ્રીએ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા થઇ રહેલાં જળસંચય, પર્યાવરણ રક્ષણ, વૃક્ષારોપણ, ગુરૂકુળ શિક્ષા પ્રણાલી, વ્યસન મુક્તિ, સાત્વિક આહાર પ્રત્યે જાગૃત્તિ અને પ્રાકૃતિક કૃષિ જન અભિયાન જેવા લોકકલ્યાણ કાર્યોની નોંધ લઇ જણાવ્યું હતું કે,
આજે રાસાયણિક કૃષિથી સમસ્ત વિશ્વ ત્રસ્ત છે, ગ્લોબલ વાર્મિંગ જેવી સમસ્યામાં રાસાયણિક કૃષિનો ફાળો ૨૪ ટકા જેટલો છે. દુષિત આહારના કારણે લોકો કેન્સર જેવા અસાધ્ય રોગોનો ભોગ બની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધુંધ ઉપયોગથી જમીનની ફળદ્રપતા ક્ષીણ થઇ રહી છે.
કૃષિ ખર્ચ સતત વધતો જાય છે. અને ઉત્પાદન સતત ઘટતું જાય છે. સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે. રાસાયણિક કૃષિ દુષ્પરિણામથી મુક્તિનો મજબૂત વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે.
રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ થી જળ- જમીન અને પર્યાવરણનું જતન થાય છે. જમીનની ફળદ્રૂપતા વધે છે. પાણીની બચત થાય સ્વાસ્થ્યપ્રદ આહાર મળે છે. ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળે છે. સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.
રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને સમાજના કલ્યાણ માટેનું ઇશ્વરીય કાર્ય ગણાવી પ્રાકૃતિક કૃષિ સાથે વઘુને વધુ ખેડૂતો જોડાય તેવો અનુરોધ પણ કર્યો હતો.
મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજનીતિ અને ધર્મ શક્તિનો સમન્વય હોય તો તેની ઉન્નતિ કંઇક અલગ જ હોય છે. રાજનિતીમાં આગળ વધતા હોય છે. ત્યારે કંઇક ભૂલ થવાની સંભાવના રહે છે, આ ભૂલ સાધુ- સંતો દ્વારા જ બતાવવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, કુદરતી આફતો અને કોરોના જેવી પરિસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાય હમેંશા સરકારના પડખે રહે છે. આવો, મદદનો ભાવના સંસ્કારનું સિંચન આ સંપ્રદાયમાં જોડોયેલ વ્યક્તિઓમાં સંતો દ્વારા કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ધર્મ બન્ને એકબીજા સાથે જોડાયેલ રહે તો જ ઉમદા પરિણામ મળી શકે છે.
કાલુપુર મંદિર ૨૦૦ વર્ષ અગાઉ ભગવાને જાતે બનાવ્યું હતું, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, કાલુપુર સ્વામિનારાયણ મંદિર આપણી મોટી વિરાસત છે. સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સીધા હરિ સાથે જોડાયેલ હોવાથી તેમને હરિ ભક્તો કહે છે. આજે સમાજમાં વ્યવસન અને અન્ય દૂષણ વઘતા જાય છે પણ સંતોના આર્શીવાદ થકી હરિભક્તોના ઘર સુધી આ દૂષણ હજુ જઇ શક્યા નથી.
ગુજરાતના સર્વાંગી વિકાસ માટે આ સરકાર દ્વારા દર સોમ- મંગળ માટે સરકારના દરવાજા પ્રજા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે, તેવું કહી મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ દિવસમાં છેવાડાનો વ્યક્તિ પોતાની ફરિયાદ લઇ આવી શકે છે. તેની રજૂઆતો સાંભળવામાં પણ આવે છે.
આ પાછળનું કારણ જન સુખાકારીને પ્રાધાન્ય આપવાનો સરકારનો ઉમદા આશય છે. રજૂઆતોનું સમાધાન કરી ગુજરાતનો સર્વાંગી વિકાસ અને ઉમદા ભવિષ્યનું નિર્માણ કરવાનો ઘ્યેય આ સરકારનો છે.
આ પ્રસંગે શ્રી સ્વામીનારાયણ મંદિર, કાલુપુર, અમદાવાદના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદ મહારાજ, શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને શ્રી લાલજી મહારાજે હરિભક્તોને આર્શીવચન પાઠવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.