શ્રેણી વિજયના નિર્ધાર સાથે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઊતરશે
સિડની, વન-ડે શ્રેણી ૨-૧થી ગુમાવ્યા બાદ ટી-૨૦ માં ઘાયલ સિંહની માફક ત્રાટકનારી ટીમ ઈન્ડિયા એ ૨-૦થી આ શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચ પૈકીના બે મેચ પૂર્ણ થઈ ગયા બાદ આવતીકાલે શ્રેણીની અંતિમ ટી-૨૦ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બપોરે ૧ઃ૪૦ વાગ્યાથી શરૂ થશે. ‘ઔપચારિક’ મેચમાં કોહલીસેના કાંગારુંઓના સુપડા સાફ કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. આમ તો પ્લેઈંગ ઈલેવન માં ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે છતાં ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખી અમુક સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
જે રીતે પ્રથમ બે વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ હતી તેને જાેતાં એવું લાગી રહ્યું હતું કે ટી-૨૦માં પણ કાંગારુઓનો ગજ વાગશે પરંતુ તેનાથી તદ્દન ઉલટું થવા પામ્યું છે. પ્રથમ ટી-૨૦માં ૧૬૧ રનનો સામાન્ય સ્કોર બનાવ્યા છતાં ભારતીય બોલરોએ કાંગારું બેટસમેનોને છેવટ સુધી બાંધી રાખી ૧૧ રને જીત હાંસલ કરી હતી તો બીજા ટી-૨૦માં ૧૯૫ રનના વિશાળ લક્ષ્યાં કનો આસાનીથી પીછો કરીને જીત મેળવી લીધી હતી. પ્રથમ મેચના હિરો રહેલા રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં બીજી ટી-૨૦ મેચ રમાઈ હતી પરંતુ હાર્દિક પંડ્યા, નટરાજન સહિતના ખેલાડીઓએ દમદાર પ્રદર્શન કરીને જાડેજાની ખોટ સાલવા દીધી નહોતી.
હવે આવતીકાલે ત્રીજી ટી-૨૦ મેચ રમાવાની છે ત્યારે તેમાં પણ પાછલી બે મેચ જેવું જ પ્રદર્શન કરીને ૩-૦થી શ્રેણી પોતાના નામે કરવાના મક્કમ ઈરાદા સાથે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે. આ પહેલાં ન્યુઝીલેન્ડને પણ તેની જ ધરતી ઉપર ૫-૦થી હરાવી ભારતે ઈતિહાસ રચી દીધો હતો ત્યારે કાલની મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી ધરખમ ટીમને તેના જ આંગણે ૩-૦થી હરાવી ફરી એક વખત ધૂમ મચાવવા ભારતના રણબંકાઓ મેદાને ઉતરશે. બીજી બાજુ ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરવામાં આવે તો બીજા ટી-૨૦માં કેપ્ટન આરોન ફિન્ચ ઉપરાંત ઘાતક બોલર જાેશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક સહિતના ખેલાડીઓ ગેરહાજર હોવાથી તેનો ફાયદો ટીમ ઈન્ડિયાને ભરપૂર મળ્યો હતો. દરમિયાન આવતીકાલની મેચમાં પણ આ ત્રણ ખેલાડીઓ રમે તેવી સંભાવના નહીંવત્ હોવાથી ભારતનું પલડું અત્યારથી જ ભારે થઈ ગયું છે.SSS