શ્રેયસ ઐયરને સ્લો ઓવર રેટ બદલ ૧૨ લાખનો દંડ
દુબઈ: આઇપીએલનો જંગ ધીમેધીમે રંગ પકડતો જઈ રહ્યો છે. ૨૯ સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સની ટીમને આઈપીએલની આ સીઝનમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીને ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદએ મ્હાત આપી. દિલ્હી કેપિટલ્સે આ પહેલાની બંને મેચો જીતી હતી.
દિલ્હી કેપિટલ્સની હાર બાદ કેપ્ટન શ્રેયસ અય્યર પર સ્લો ઓવર-રેટના કારણે ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર બીજો કેપ્ટન છે જેની પર દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં શ્રેયસ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીને પણ ૧૨ લાખનો દંડ સ્લો-ઓવર રેટને કારણે ફટકારવામાં આવી ચૂક્યો છે.
આઈપીએલની પ્રેસ રિલીઝ મુજબ, આઈપીએલ કોડ ઓફ કન્ડક્ટ હેઠળ આ તેનો પહેલો સ્લો ઓવર રેટ મામલો છે. તો અય્યર પર ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સ માટે સ્લો ઓવર રેટનો આ પહેલો મામલો નથી. ટીમ હૈદરાબાદની સામે હારી જતાં શિખરનું સ્થાન ગુમાવી દીધું છે. પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ બીજા નંબર પર આવી ગયું છે.
ઉલ્લેખનીય છે કે, જોની બેયરિસ્ટોની અડધી સદી (૫૩) બાદ રાશિદ ખાન (૩ વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (૨ વિકેટ)ના ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ-૧૩માં દિલ્હી કેપિટલ્સ સામે ૧૫ રને વિજય મેળવ્યો. હૈદરાબાદે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૨ રન બનાવ્યા હતા.
જવાબમાં દિલ્હી ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૭ રન બનાવી શક્યું હતું. રાશિદ ખાન ૪ ઓવરમાં ફક્ત ૧૪ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે ૪ ઓવરમાં ૨૫ રન આપી ૨ વિકેટ ઝડપી હતી. રાશિદ અને ભુવનેશ્વરે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.