શ્રેય હોસ્પિટલના દોષીતોને બચાવવાનો કારસો
અમદાવાદ, અમદાવાદ શહેરની શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાના પરિણામે આઠ પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. તેમને સાંત્વના આપવાના બદલે દોષીતો ને બચાવવાના ખેલ શરૂ થઈ ગયા છે.તેમજ ભીષણ આગમાં ભડથું થઈ ગયેલા દર્દીઓને કોરોનાના મૃતક જાહેર કરવામાં આવી રહયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
નવરંગપુરા ની શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાના મૃતકોની હજી ચિતાની આગ ઠંડી નથી પડી તે પહેલાં જ તેમના ગુનેગારોને બચાવવા માટે નો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાથી ત્યાં ICUમાં સારવાર માટે દાખલ કરાયેલા આઠ દર્દીનાં મોત થયા તે જગજાહેર છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના સ્મશાન ગૃહે મૃતકોની અંતિમવિધિ સમયે કરેલી નોંધમાં આગના પરિણામે નહીં પરંતુ કોરોનાને પરિણામે મૃત્યુ થયું લખ્યું હોવાની વિગતો બહાર આવી છે.
એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારી ચોપડા પર પીડિતોનાં મૃત્યુ આગને પરિણામે નહીં પરંતુ કોરોનાને પરિણામે થયા હોવાનું નોંધ્યું છે. મૃતકના પરિવારના સભ્યએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે જ્યારે સ્મશાન ગૃહમાં નોંધ થતી હતી ત્યારે કર્મચારીને મૃત્યુનું કારણ આગ હોવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ કર્મચારીએ કોરોનાને કારણે મોત થયાની નોંધ કરી હતી. આ કારણે મૃતકનો અકસ્માતનો વીમો મેળવામાં પણ તકલીફ પડી શકે છે.મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આ પ્રકારની નોંધ અજાણતા થઈ છે કે પછી ગુનેગારોને બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે તે બાબત ચર્ચાનો વિષય બની છે.
આ અંગે મ્યુનિ. કોગ્રેસના નેતા અને સિનિયર કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ફાયર વિભાગનો રિપોર્ટ પણ આગના કારણે મૃત્યુ થયુ હોવાનું જણાવે છે તેમ છતાં મ્યુનિ.કોર્પોરેશન કોરોનાનું કારણ આપી રહ્યું છે. આ મામલે તટસ્થ વિજીલન્સ તપાસ કરી દોષિતોને સજા થવી જોઈએ. શ્રેય હોસ્પિટલ કાંડનાં ગુનેગારોને છાવરવાની નીતિનો કોગ્રેંસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.