શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મુખ્ય આરોપીને જામીન
અમદાવાદ: અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલ માં અગ્નિકાંડમાં ૮ દર્દીઓના મોત થયા હતાં. આ હોસ્પિટલના સંચાલક ભરત મંહતના પોલીસે કાગળ ઉપર રિમાન્ડ મેળવવા માટે કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.બાદમાં આરોપી ભરત મંહતે જામીન અરજી કરતા મેટ્રોપોલીટન કોર્ટે જામીન ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે.
આમ પોલીસે પહેલેથી જામીન લાયક કલમો લગાવીને આરોપીને બચાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. શ્રેય હોસ્પિટલમાં કોરોનાના ૮ દર્દીઓના આગને લીધે મોત નિપજયા હતા. જેમાં ચાર દિવસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિપોર્ટ બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેના ૨૪ કલાકમાં મુખ્ય આરોપી અને સંચાલક ભરત મહંતને રિમાન્ડ માટે જજના ઘરે રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરતા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખતાં આરોપીને ૧૫ હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યાં છે.
નવરંગપુરા પોલીસ દ્વારા આરોપીની તપાસ માટે ૫ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જોકે કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતાં. નોંધનીય છે કે જ્યારે શ્રેય અગ્નિકાંડમાં ૮ દર્દીઓના મોત નીપજ્યાં છે ત્યારે આરોપીના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. સુરતમાં અગ્નિકાંડ થયો હતો અને મોટી સંખ્યમાં બાળકોના મોત નીપજ્યાં હતા ત્યારે આરોપીઓને વહેલી તકે જામીન આપવામાં આવ્યાં નહી પરંતુ આ કેસમાં આરોપીના ખૂબ જ વહેલા જામીન મંજૂર કરવામાં આવ્યાં છે.
શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંતના કોર્ટે જામીન મંજૂર કર્યાઆ સમગ્ર કેસની વિગત એવી છે કે ગત શુક્રવારના રોજ સવારે ૩ વાગ્યે અમદાવાદના નવરંગપુરામાં આવેલા શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બની હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૮ દર્દીઓના મોત નીપજ્યાં છે.