શ્વાનને દોરડું બાંધીને બાઇક પાછળ ઢસડ્યો, શ્વાનનું મોત
સુરત: સુરત શહેરમાં ક્રૂરતાની તમામ હદ વટાવતો એક બનાવ સામે આવ્યો છે. આ અંગેનો વીડિયો વાયરલ થતાં જ આવું જઘન્ય કૃત્ય કરનાર તત્વો સામે ફિટકાર વરસી રહી છે.
બનાવ સુરત શહેરના વેસુ વિસ્તારનું હોવાનું જાણવા મળ્યું છે. અહીં બે યુવકો દોરડું બાંધીને એક શ્વાનને બાઇક સાથે ઢસડી રહ્યા છે. યુવકના આવા કૃત્યથી શ્વાને દમ તોડી દીધો હતો. ક્રૂરતાની હદ વટાવતા આ બનાવમાં બંને યુવકો સામે કડક કાર્યવાહી કરવાની જીવદયા પ્રેમીઓએ માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં થોડા દિવસ પહેલા શ્વાનના ત્રાસને લઈને ચિકનમાં ઝેર નાખીને શ્વાનને મારી નાખવાની ઘટના સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. જે બાદમાં શ્વાનની હત્યા મામલે પોલીસે બે લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને બંનેની ધરપકડ કરી હતી.
હવે ફરી વખત શ્વાન સાથે બર્બરતાનો વીડિયો સામે આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સુરતના વેસુ ભગવાન મહાવીર કૉલેજ પાસેના રોડ પર એક આવા અમાનવીય દ્રશ્યો સામે આવ્યા હતા.
જેમાં બાઇક પર સવાર બે યુવકો દોરડા વડે એક શ્વાનને બાંધીને ઢસડી રહ્યા હતા. શ્વાસ જીવતો હોવાથી રસ્તેથી પસાર થતાં અન્ય લોકો પણ ચોંકી ગયા હતા. બંને યુવકો શ્વાનના ગળામાં ફંદો નાખીને તેને ઢસડ્યો હતો. આ દરમિયાન રસ્તેથી પસાર થતા અન્ય લોકોએ દરમિયાનગીરી કરી હતી અને બંને યુવકોને અટકાવ્યા હતા.
વાહન ચાલકોએ બંને યુવકોને આવું ન કરવા માટે સમજાવ્યા હતા. જાેકે, અન્ય લોકો દરમિયાનગીરી કરે ત્યાં સુધીમાં તો શ્વાનનું પ્રાણ પંખેરી ઉડી ગયું હતું.
બંને યુવકની બાઇક પાછળ આવી રહેલા એક યુવકે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર વહેતો કરી દીધો હતો. વીડિયોમાં જાેઈ શકાય છે તે રીતે બંને યુવકો જે બાઇક પાછળ શ્વાનને ઢસડી રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થતાની સાથે જ બંને યુવકો સામે ચોતરફથી ફિટકાર વરસી છે.
આ બંને ઇસમોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે. જીવદયા પ્રેમીઓ પણ આ વીડિયો જાેઈને ચોંકી ગયા છે અને સુરત પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે શ્વાન સાથે ક્રૂરતાના અનેક બનાવો સમયાંતરે મીડિયામાં આવતા રહે છે.
અઠવાડિયા પહેલા જ અમદાવાદ શહેરમાં એક યુવકો તીક્ષ્ણ હથિયારના ઘા મારીને એક શ્વાનના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા, જે બાદમાં શ્વાનનું મોત થયું હતું. જ્યારે યુવકે અન્ય એક શ્વાનને પગમાં તીક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો. આ કેસમાં યુવક સામે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.