સંજેલીથી સુરત-ભુજ-આણંદ-ખેડા સહિતના લાંબા રૂટો પરની બસ સેવા શરૂ
સંજેલી, કોરોના વાયરસની મહામારી ને લઇને દેશભરમાં તારીખ ૨૪ માર્ચ થી થયેલા લોક ડાઉન દરમિયાન ગુજરાતમાં તમામ એસટી બસ સેવાઓ બંધ થતાં જ બસના પૈડા થંભી ગયા હતા.જે બાદ અનલોક ૧ માં કેટલીક આંશિક છૂટછાટ મળતાં બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે કાલાવડ જામનગર ધોરાજી જેવા મુખ્ય લાંબા રૂટની બસો શરૂ ન થતાં ધંધા રોજગાર અને પેટિયું રળવા જતા શ્રમિકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે આ રૂટ પરની બસો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
કોરોના મહામારી ને કારણે દેશભરમાં લોક ડાઉન થતાં જ બસના પૈડા થંભી ગયા હતા પરંતુ અનલોક ૧ માં મળેલી વધુ છૂટછાટના કારણે એસટી વિભાગને આપેલી સૂચના બાદ સંતરામપુર સંજેલી ભુજ. બારિયા સંજેલી સુરત. ઝાલોદ સંજેલી આણંદ. અને ખેડા સંજેલી ની ૪ જેટલી લાંબા રૂટની બસો શરૂ થઇ છે સંજેલી વિસ્તારની આસપાસની પ્રજા મોટાભાગે પોતાના ધંધા રોજગાર મજૂરી કરી પેટિયું રળવા પરિવારનું ગુજરાન ચલાવવા માટે કાલાવડ જામનગર ધોરાજી રાજકોટ સહિત ના વિસ્તારોમાં મોટા ભાગે અવરજવર કરે છે ત્યારે આ જ વિસ્તારની લાંબા રૂટની બસ સેવા શરૂ ન થતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
જ્યારે સંજેલી થી સંતરામપુર લોકલ દોડતી બસ સેવા પણ હાલ શરૂ ન થતાં આ વિસ્તારના લોકોને વેપાર ધંધા સંજેલી ખાતે પગદંડી નો સહારો લેવો પડ્યો છે.ત્યારે સંજેલીથી લાંબા રૂટની બસો તેમજ લોકલ બસો તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી તાલુકાની પ્રજાની માંગ ઉઠવા પામી છે.સરકારની ગાઇડલાઇન મુજબ બસમાં મુસાફરોમાં સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઈઝર તેમજ થર્મલ ગન તમામ મુસાફરોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.
સંજેલી તાલુકા મથકે થી કાલાવડની પ્રાઇવેટ બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે એસટી વિભાગ દ્વારા વર્ષોથી ચાલતી સવારની સંજેલી બરોડા બસ તેમજ જામનગર કાલાવડ રાજકોટ ધોરાજી સહિતની તમામ બસ સેવાઓ શરૂ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને રોજી રોટી વેપાર ધંધા અર્થે અવરજવર કરવામાં મુશ્કેલી ન વેઠવી પડે તેમજ સંજેલીથી સંતરામપુર લોકલ બસ સેવા પણ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.સંજેલી થી વિવિધ વિભાગની લાંબા રૂટની ૨૦ એસટી બસો દોડતી હતી જે માત્ર હાલ ૪ જેટલી બસો સેવા આપી રહી છે.જેથી રાજકોટ કાલાવડ જામનગર તરફ અવરજવર કરતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.