સંજેલીને દસ માસમાં મળશે નવું નક્કોર બસ સ્ટેન્ડ
૧૪૬ ટ્રીપનું થશે સંચાલન –વાહનવ્યહવાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે રૂ. ૧.૬૭ કરોડના ખર્ચથી નવા બનનારા બસ સ્ટેન્ડનું ભૂમિપૂજન થયું
કિફાયતી અને સલામત મુસાફરીના પર્યાય સમી એસટી બસના પ્રવાસીઓને સંજેલી ખાતે હવે નવી સુવિધા મળવા જઇ રહી છે. વાહનવ્યવહાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે સંજેલી ખાતે બનનારા નવા બસ સ્ટેન્ડની ભૂમિપૂજન વિધિ સપન્ન થઇ છે. હવે, માત્ર દસ માસમાં જ નવું બસ સ્ટેન્ડ કાર્યરત થતાંની જ સાથે ત્યાંથી ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ દ્વારા એક્સપ્રેસની ૩૮ અને લોકલની ૧૦૮ મળી કુલ ૧૪૬ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.
ભૂમિપૂજન બાદ જાહેર સભાને સંબોધન કરતા રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમને આધુનિક બનાવવા માટે હરસંભવ મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી જનતાની સુવિધા માટે પ્રતિવર્ષ ૨૦૦૦ બસોની ખરીદી કરવામાં આવી છે. જે જરૂરત મુજબ સંચાલનમાં મૂકવામાં આવે છે.
તેમણે એમ પણ કહ્યું કે, પ્રવાસીઓને જરૂરત હોય એ મુજબ બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વોલ્વો બસ, એસી લક્ઝરી બસ પણ ચલાવવામાં આવે છે. વર્ષો પહેલા એવા સંજોગો હતા કે એસટી બસો ધૂળિયા માર્ગ પર ચાલતી હતી. તેમાં કાચની બારીઓ પણ નહોતી. વરસાદના સમયમાં બસમાં પાણી ટપકતું હોય છે. ગમે ત્યારે બસમાં ખામી સર્જાતી હતી. હવે, આ બધી બાબતો ભૂતકાળ બની ગઇ છે.
શ્રી પટેલે ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, એસટી બસોના સંચાલનમાં રાજ્ય સરકારનો હેતું નફો કરવાનો નહી, પણ સેવાનો હેતું છે. એટલે જ જીપીએસની સુવિધા ધરાવતી આધુનિક બસો પ્રવાસીઓની સેવામાં મુકવામાં આવી છે. એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસ પોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં સંજેલી બાદ હવે ધાનપુરમાં પણ નવું બસ સ્ટેશન બનાવવામાં આવશે. આ માટે ટેન્ડરિંગની પ્રક્રીયા ચાલી રહી છે.
ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારાએ આ બસ સ્ટેન્ડનું કામ ઝડપથી પૂર્ણ એ માટે તમામ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી અને બસ સ્ટેન્ડ બનતા લોકોને સારી સુવિધા મળશે, એવું તેમણે જણાવ્યું હતું. સંજેલી ખાતે રાજ્યમંત્રીશ્રીનું સ્થાનિક આગેવાનો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમોની પ્રસ્તુતિ થઇ હતી. એસટીના ગોધરા વિભાગના વિભાગીય નિયામક શ્રી બી. આર. ડિંડોડે સ્વાગત પ્રવચન કર્યું હતું.
અત્રે નોંધવું જોઇએ કે, સંજેલીમાં રૂ. ૧.૬૭ કરોડના ખર્ચથી ત્રણ પ્લેટફોર્મ, વેઇટિંગ એરિયા, કેન્ટીન, ઓફિસ, શૌચાલયની સુવિધા સાથે બસ સ્ટેન્ડનું નિર્માણ થશે. વિવિધ પ્રકારના પાસ કઢવાની કાર્યવાહી પણ ત્યાંથી થશે. ગોધરા ડિવીઝન હેઠળના દાહોદ જિલ્લાના ત્રણ ડેપો પૈકી બારિયા ડેપોમાં ૫૫ શિડ્યુઅલની ૪૩૫ ટ્રીપ, દાહોદ ડેપોમાં ૮૦ શિડ્યુઅલમાં ૩૪૯ ટ્રીપ અને ઝાલોદ ડેપોમાં ૭૫ શિડ્યુઅલમાં ૪૬૨ ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગોધરા ડિવીઝનમાં કુલ ૭ ડેપોમા ૪૮૯ શિડ્યુઅલ દ્વારા ૨૮૯૯ ટ્રીપોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગોધરા ડિવીઝન દ્વારા પ્રતિદિન ૧૩૮૮૧૨ કિલોમિટર પર એક્સપ્રેસ બસો અને ૧૦૯૮૮૮ કિલોમિટર લોકલ બસો ચાલી રહી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, સરપંચ શ્રી કિરણભાઇ રાવત, અગ્રણી શ્રી માનસિંગ ભાભોર, શ્રી જગદીશભાઇ પરમાર, શ્રી જસુભાઇ બામણિયા, સિનિયર લેબર ઓફિસર શ્રી એમ. એન. પાંડોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.