સંતાનોના વિદેશી ઉચ્ચ શિક્ષણ માટે તમારી નિવૃત્તિ બચતને વાપરી નાખશો નહિ
સંતાનોને વિદેશમાં ભણાવવા માટે આગોતરૂ આયોજન અગત્યનું
આપણા સમાજના ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકોમાં આજકાલ સંતાનોને ભણવા માટે વિદેશ મોકલવાની તાલાવેલી દેખાય છે. વિદેશની ડિગ્રી હોય તો સંતાનનું જીવન સુધરી જાય એવી માન્યતા લોકોમાં છે. પરિણામે સાધન સપન્ન લોકોમાં સંતાનોને વિદેશ મોકલવાનું ધ્યેય અગ્રીમ બન્યું છે. પણ આ માટે મોટી રકમની જરૂર પડે અને તે માટે માબાપોએ વહેલાસર રોકાણ કરવું જરૂરી છે.
થોડાં વર્ષો અગાઉ લોકો તેમના સંતાનોને ભણવા માટે અમેરિકા અને બ્રિટ મોકલતા હતા અત્યારે તેમાં કેનેડાનો ઉમેરો થયો છે. કેનેડામાં શિક્ષણ પુરું કર્યા પછી વર્ક વિઝા મળવાના સંયોગો ઉજળા છે સાથે જ પરમેનન્ટ રેસીડેન્સી અને સિટિઝનશીપ પણ મળી શકે. તેની સામે અમેરિકા અને બ્રિટનમાં આજકાલ આ બાબતમાં ઘણી અનિશ્ચિતતા જાેવા મળે છે એમ બેંગ્લુરુ સ્થિત સ્પાર્ક કેરિયર મેન્ટર્સના સહસ્થાપક અને ડિરેકટર નીરજ ખન્ના જણાવે છે.
કેનેડામાં ઉચ્ચ શિક્ષણનો ખર્ચ અમેરિકા કરતા ૩૦ થી ૩પ ટકા ઓછો છે એટલે ત્યાંની ઉત્તમ કક્ષાની કોલેજમાં એડમિશન માટે ઘણી માગ રહે છે. તેજસ્વી વિદ્યાર્થીઓ હજુ પણ ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકાને પસંદ કરે છે,
ખાસ કરીને પોસ્ટ-ગ્રેજયુએટ શિક્ષણ માટે તેમને ખાતરી છે કે અમેરિકાની સારામાં સારી યુનિવર્સટીમાં શિક્ષણ લીધા બાદ તેમને સારી કંપનીમાં નોકરી મળી જશે અને વિઝા પણ મળશે. કઈ નહિ તો આ કંપની તેમને લંડન કે સિંગાપોરની ઓફિસમાં નોકરી આપશે એવો તેમને વિશ્વાસ હોય છે.
અમેરિકા તો એક લોહચુંબક જેવું છે કારણ કે ત્યાં જ વિચારશક્તિ ખીલે છે. કંપની હોય કે યુનિવર્સિટી, બંનેમાં આ વાત સાચી છે એમ ખન્ના જણાવે છે. ઓસ્ટ્રેલિયા પણ આ લિસ્ટમાં આવે. ત્યાં ઉચ્ચ શિક્ષણ અમેરિકા કરતાં ઓછું ખર્ચાળ છે અને ત્યાંની આબોહવા પણ આકર્ષક છે. થોડાં વર્ષો પહેલાં ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસિડન્સ મેળવવું સહેલું હતું. પરંતુ છેલ્લા બે પાંચ વર્ષોમાં આ કામ મુશ્કેલ બન્યું છે અને તે માટેની પૂર્વશરતો વધુ કડક બની છે.
વિવિધ અભ્યાસક્રમોની વાત કરીએ તો એન્જિનિયરીંગ અને ટેકનોલોજીમાં કમ્પ્યૂટર સાયન્સની સૌથી વધુ માગ છે જે વિદ્યાર્થીઓ ટેકનોલોજી સંબંધિત વિષયોનો અભ્યાસ કરવા વિદેશ જાય છે તેમાં દર પાંચમાંથી ત્રણ વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરવાનું પસંદ કરે છે કેમ કે આ જ વિષયમાં સૌથી ઉત્તમ નોકરીઓ મળે છે. બિનટેકનિકલ અભ્યાસક્રમમાં નાણાશાસ્ત્ર અને તે પછી અર્થશાસ્ત્ર આવે એમ ખન્ના કહે છે.
વિદેશમાં અભ્યાસ કરવા માટે કેટલો ખર્ચ આવે તેનો આધાર વિવિધ પરિબળો પર રહે છે. દેશ, તેની યુનિવર્સિટીનું રેન્કિંગ, અભ્યાસક્રમ વગેરે આમા મહત્વના છે. જાે તમારું સંતાન હજી નાનું હોય તો તમે અત્યારથી એક આંકડો મનમાં નકકી કરી રાખી શકો કારણ કે એ કયા વિષયનો અભ્યાસ કરવા માગશે એ અત્યારથી કહી ન શકાય.
જાે તમારું સંતાન બહુ નાનું ન હોય તો અત્યારનો ખર્ચો જાેઈને તેમાં સંભવિત ફુગાવાની ગણતરી કરીને વધારો કરો. ભવિષ્યમાં ખર્ચો કેટલો થશે તે જાણવા માટે ૬ થી ૭ ટકાનો વાર્ષિક ફુગાવો પકડવો વ્યાજબી છે એમ જાણીતા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડયા કહે છે. જાે કે તે ચેતવણી પણ આપે છે કે રૂપિયાનો ઘસારો તમારી ગણતરીને ઉંધી વાળી શકે. એટલે વધુ ચોકકસ અંદાજ મેળવવો હોય તો રૂપિયાના સંભવિત અવમૂલ્યનને પણ ગણતરીમાં લો.
આ માટે એક સારો રસ્તો એકસલ શીટ બનાવવાનો છે જે તમને કહેશે કે દર વર્ષને અંતે તમારે કેટલા નાણાં જાેઈશે. ફુગાવો અને રૂપિયાનો વિનિમય દર ધ્યાનમાં રાખીને આ ગણતરી કરવી. જાે કોઈક વર્ષે ખર્ચો તમારી ધારણાની બહાર જતો હોય તો વધુ રોકાણ કરવું પડે.
જાે સંતાનને ભણવા માટે વિદેશ મોકલવામાં હજુ ૧૦ થી ૧પ વર્ષ બાકી હોય તો પ્યોર ઈક્વિટી પોર્ટફોલિયોથી શરૂઆત કરવી, અને જયારે પાંચથી સાત વર્ષ બાકી રહે ત્યારે તેને બેલેન્સ પોર્ટફોલિયોમાં ટ્રાન્સફર કરવું. માત્ર એક બે વર્ષ જ બાકી રહે ત્યારે આખો પોર્ટફોલિયો ડેટમાં બદલી નાખો જેથી કરીને કદાચ ઈક્વિટી માર્કેટમાં મંદી આવે તો તમારી યોજના ઉંધી ન વળે.
પોર્ટફોલિયોના ઈક્વિટી હિસ્સામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રાખો, જયારે ડેટના હિસ્સામાં ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો જેવા કે ગિલ્ટ ફંડ અથવા પીએસયુ અને બેન્કિંગ ફંડ લોન્ગ ટર્મ બોન્ડ ફંડ અને સકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ રોકાણ કરી શકાય એમ પંડયાનું કહેવું છે.
કેટલાક નિષ્ણાતો પેસીવ ફંડમાં રોકાણ કરવાનું પણ સૂચનકરે છે. નિફટી પ૦ અને એસએન્ડપી પ૦૦ દ્વારા પણ પોર્ટફોલિયો બનાવી શકાય. ઈન્ટરનેશનલ ફંડમાં રોકાણ કરવાથી વિનિમય દરમાં થતાં ફેરફારોની અસરમાંથી બચી શકાય. ડેટ બાજુનો વિચાર કરીએ તો પબ્લિક પ્રોવિડન્ટ અને લિક્વિડ ફંડમાં પણ રોકાણ કરી શકાય.
ચાઈલ્ડ મ્યુચ્યુઅલ ફંડ જેવી બ્રાન્ડેડ પ્રોડકટથી દૂર જ રહેવું. આ પ્રકારના ફંડમાં એસેટ્સ ઘણી ઓછી હોય છે અને ખર્ચ ઉંચો રહે છે. તેમના વળતરમાં ખાસ દમ હોતો નથી જે લોકો નિયમિત રીતે બચત કરવાની શિસ્ત ન ધરાવતા હોય કે પછી રોકાણને કોઈ કારણસર પાછું ખેંચી લેવા માગતા હોય તેવા લોકો માટે આ ફંડ છે
એ જ રીતે બજારમાં ચાઈલ્ડ ઈન્સ્યોરન્સ પ્લાન પણ ઉપલબ્ધ છે તેનાથી પણ દૂર રહેવાની સલાહ છે કારણ કે તેમાં નિયમિત સમયાંતરે જ પૈસા પરત મળે છે આને કારણે સમસ્યા ઉભી થઈ શકે. પણ ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવો જાેઈએ જેથી કોઈપણ સંજાેગોમાં તમારા ધ્યેયને હાનિ ન પહોચે.
જાે સંતાનને વિદેશ ભણવા મોકલવા માટે તમારી પાસે પૂરતી બચત ન હોય તો સંતાન પોતાના નામે લોન લઈ શકે અથવા તો કોઈક સ્કોલરશીપ પણ મેળવી શકે. એટલું યાદ રાખવું કે સંતાનના વિદેશી શિક્ષણની જાેગવાઈ કરવા માટે તમારા નિવૃત્તિ ફંડની રકમને પૂરેપૂરી વાપરી નાખવી નહી. કોઈક પ્રકારનું સંતુલન જાળવવું જરૂરી છે.