સંતોના મૃગીકુંડમાં સ્નાન સાથે ભવનાથના મેળાની પૂર્ણાહૂતિ
શિવરાત્રિને લઇને ભવનાથના મેળામાં પણ શિવભકિતનું જારદાર વાતાવરણ છવાયું ઃ દર્શન કરવા થયેલી પડાપડી – પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચ્યા
જૂનાગઢ, દેવાધિદેવ મહાદેવની મહાશિવરાત્રીના પર્વ નિમિતે જૂનાગઢના સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક એવા ભવનાથ મેળામાં આ વખતે ભાવિકોની વિક્રમી સંખ્યા નોંધાઇ હતી. મહાશિવરાત્રી મેળાનો છેલ્લો દિવસે પાંચ લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા. તો, મહાશિવરાત્રિના પવિત્ર પર્વની મધ્યરાત્રીએ દિગંબર સાધુ-સંતો અને દૈવી વિભૂતીઓના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મીનીકુંભ એવા ભવનાથ મેળાનું ભવ્ય સમાપન થયુ હતું.
મહાશિવરાત્રિને લઇ ભવનાથના મેળામાં પણ શિવભકિતનો જારદાર માહોલ છવાયેલો જાવા મળ્યો હતો. ગઇકાલે ભવનાથમાં મેળામાં ચાર લાખથી વધુ શ્રધ્ધાળુ ભકતો ઉમટયા. મહાશિવત્રરાત્રિ હોઇ વહેલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળ્યો હતો. વાહનો કરતાં પગપાળા જનારની સંખ્યા વધુ જાવા મળતી હતી.
મહાશિવરાત્રિને લઇ આજે મધ્ય રાત્રે દિગંબર સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, અઘોરી બાબાઓની રવાડી નીકળી હતી, જેમના ઐતિહાસિક અને અનન્ય મહિમા ધરાવતાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. દિગંબર સાધુ-સંતોની રવાડી દરમ્યાન તેમના દર્શન કરી મેળામાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુ ભકતોએ ધન્યતા અનુભવી હતી. ભવનાથના મેળામાં આ વખતે ભીડ વધતાં ખાણીપીણી, રમકડાં, પાથરણાવાળા સહિત તમામ પ્રકારના ધંધાર્થીઓને સારી એવી કમાણી થઇ હતી.
ભવનાથ પોલીસ સ્ટેશનથી દત્ત ચોક તેમજ અન્ય રસ્તાઓ પર માણસોની સાથે વાહનો પણ આવી જતાં અવારનવાર ટ્રાફિક જામ થતો રહ્યો હતો. અખાડાઓ તેમજ રોડની સાઇડે ધુણો ધખાવીને બેસેલા નાગા સાધુઓ પાસે શ્રદ્ધાળુઓના ટોળા વળ્યા હતા અને તેમના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરતાં જાવા મળ્યા હતા.
ખાસ કરીને રવાડીમાં ઇષ્ટદેવની પૂજા, પાલખીના શણગાર માટેના ફૂલ, પૂજા સામગ્રી, નૈવેદ્ય જેવી વ્યવસ્થા માટેનો દોર આજે ચાલુ રહ્યો હતો. તો રવાડીના રૂટને આજે નમતી બપોરથી બેરીકેડથી બંધ કરાયો હતો. બાદમાં તેની સફાઇ, પાણીનો છંટકાવ અને બોમ્બ સ્કવોડથી ચેક કરવામાં આવ્યો હતો. દિગંબર સાધુ-સંતોની રવાડી મધરાત્રે ૧૨ વાગ્યે ભવનાથ મંદિરેથી નીકળી મૃગીકુંડ પહોંચી હતી.
જયાં નાગા સાધુઓના શાહી સ્નાન સાથે જ ભવનાથ મેળાનું સમાપન થયુ હતું. જૂના અખાડા, આહીર સમાજની જગ્યા, દત્ત ચોક, ભવનાથ પોલીસ સ્ટેશનથી રૂપાયતન ગેઇટ, ભારતી આશ્રમ, અગ્નિ અખાડા, ભવનાથ મંદિર સુધી સંતોની રવાડીના સમગ્ર રૂટ પર પોલીસની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ખડકાઇ હતી.