સંત રામ સિંહની ખેડૂત આંદોલનના સમર્થનમાં આત્મહત્યા
સુસાઈડ નોટમાં લખ્યું- આ જુલમ વિરૂદ્ધનો અવાજ
નવી દિલ્હી, ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી છે. તેમની ઓળખ કરનાલના સિંઘરા ગામના બાબા રામ સિંહ તરીકે થઈ છે. તેઓ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
રામસિંહે ગોળી મારીને આત્મહત્યા કરી છે અને તેઓએ પંજાબી ભાષામાં એક સુસાઈડ નોટ લખી છે. જેમાં તેઓએ લખ્યું છે કે આ જુલમ વિરૂદ્ધ એક અવાજ છે. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધ કમિટીના અધ્યક્ષ મનજિંદરસિંહ સિરસાએ આત્મહત્યા પર દુઃખ વ્યક્ત કર્યું છે.
સંત રામ સિંહે કોંડલી બોર્ડર પર આત્મહત્યા કરી. તેઓને લોકો પાનીપતની પોર્ક હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેમના મૃતદેહને કરનાલ લઈ જવામાં આવ્યો છે. રામ સિંહ બુધવારે સાથી ખેડૂતોની સાથે કારમાં કોંડલી બોર્ડર પહોંચ્યા હતા.
તેમના સાથી ગુરમીતે જણાવ્યું કે રામ સિંહે બધાંને કહ્યું હતું કે તમે સ્ટેજ પર જઈને અરદાસ કરો. ગુરમીતે કહ્યું કે- હું અરદાસ કરવા મંચ પર ગયો અને કારનો ડ્રાઈવર ચા પીવા માટે જતો રહ્યો. આ દરમિયાન રામ સિંહે પોતાને ગોળી મારી દીધી હતી.