સંત રોહિદાસજીની ૬૪૫મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થતા મુખ્યમંત્રી
‘‘સૌ સમાજ એક બની વિકાસ રાહે એક સાથે આગળ વધે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ’’ : મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સંત શ્રી રોહિદાસજીની ૬૪પમી જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમાજ એક બની વિકાસ રાહે એક સાથે આગળ વધે તે રાજ્ય સરકારની કટિબદ્ધતા છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોઇ પણ સમાજના બહુઆયામી વિકાસ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. રાજ્ય સરકાર શિક્ષણ જેવી પાયાની સુવિધા હરેક સમાજવર્ગોને પહોચાડવા તેમની પડખે છે. શિક્ષણ થકી જ સમાજ સમાજ વચ્ચેનું અંતર ઘટશે અને એક સમરસ રાષ્ટ્રની વિભાવના સાકાર થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સંત શ્રી રોહિદાસજીએ દરેક સમાજ એક થાય અને કુરિવાજોમાંથી બહાર આવે તે માટે અથાક પ્રયત્નો કર્યા છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મંત્ર ‘સૌનો સાથ સૌનો વિકાસ’ માં પણ સંત શ્રી રોહીદાસજીના વિચારોનું પ્રતિબિંબ પડે છે તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારા સભ્ય શ્રી સી.જે.ચાવડા અને સંત શ્રી રોહીદાસ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.