સંપત્તિ મુદ્દે પત્ની બાદ બહેનની પણ ભરતસિંહને નોટિસ
અમદાવાદ, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલા પત્ની સાથેનો વિખવાદ સામે આવ્યો હતો અને બંનેએ એકબીજા સામે જાહેર નોટિસો આપી હતી. પહેલા ભરતસિંહે એક જાહેર નોટિસમાં પત્ની પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમના પત્નીએ પણ તેનો જવાબ જાહેર નોટિસથી આપ્યો હતો. હવે, ભરતસિંહના બહેને સંપત્તિને લઈને જાહેર નોટિસ આપી છે.
ભરતસિંહના બહેન અલ્કા પટેલે ન્યૂઝ પેપરમાં જાહેર નોટિસ આપી છે અને ગાંધીનગરમાં આવેલા તેમના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું મકાન તેમની જાણ બહાર વેચવાનો પ્રયાસ કરાયાનો આરોપ લગાવ્યો છે. ગુજરાતના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯ જાન્યુઆરી, ૨૦૨૧એ અવસાન થયું હતું. તે પછી માધવસિંહ સોલંકીના કુટુંબમાં ગાંધીનગર સ્થિત મકાનને લઈને ભારે વિવાદ સર્જાયો છે.
દીકરી અલ્કા પટેલે વકીલ મારફતે સમાચાર પત્રમાં જાહેર નોટિસ આપી ચેતવણી આપી છે કે ગાંધીનગર સ્થિત મકાનમાં વારસાઇમાં પોતાનો પણ ભાગ છે જાે કોઇ પણ મકાનનો જાણ બહાર કરાર કે વ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. જણાવી દઈએ કે, માધવસિંહના ગાંધીનગર સ્થિત મકાનમાં ભોગવટેદારમાં ભરતસિંહ સોલંકી સહિત અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી, અલ્કા પટેલ પણ મકાનનો ભોગવટો ધરાવે છે, ત્યારે માધવસિંહની દીકરી દ્વારા આરોપ કરાયો છે કે મકાનનો સોદો બારોબાર તેમની જાણ બહાર કરી નાખવામાં આવ્યો હતો.
અલ્કા પટેલે એડવોકેટ અવનીધર.એમ.ઠાકોર મારફતે દૈનિક પત્રમાં જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે મકાનનો પોતાની જાણ બહાર લખાણ, કરાર કે વ્હાવહાર કરવામાં ન આવે, જાે કોઈ કરાર કરાયો હશે તો અલકા બહેન બંધનકર્તા રહેશે નહી, તેમજ જાણ બહાર કરાર કે વ્યવહાર કરનાર સામે કાર્યવાહીની પણ નોટિસમાં ચેતવણી આપી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગત જુલાઈ મહિનામાં ભરતસિંહ સોલંકીએ ન્યૂઝ પેપરમાં એક નોટિસ આપી જણાવ્યું હતું કે, તેમની પત્ની રેશ્મા પટેલ તેમના કહ્યામાં નથી. જેના જવાબમાં રેશમા પટેલે પોતાના વકીલ મારફતે આપેલા નોટિસના જવાબમાં કહ્યું હતું કે, તેઓ હજુ પણ સારા પત્ની તરીકે સાથે રહેવા તૈયાર છે. તેમણે ભરતસિંહ પર પોતાને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મૂક્યાનો આરોપ પણ લગાવ્યો હતો.SSS