સંપૂર્ણ દિવ્યાંગજનોને ઘરે જઈને ‘આધાર કાર્ડ’ કાઢી આપવામાં આવશે

પ્રતિકાત્મક
સંવેદનશીલ અભિગમ….. સ્પર્શનો ‘આધાર…’ -ઘરની બહાર નીકળવા પણ અસમર્થ એવા સંપૂર્ણ દિવ્યાંગ 14 લોકોને ઘરે જઈને આધાર કાર્ડની પ્રક્રિયા હાથ ધરાઈ
‘લોદરીયાળ ગામના માત્ર ૬ વર્ષીય અમીતનું આધાર કાર્ડ કાઢવાની પ્રક્રિયા લગભગ ૧ કલાક ચાલે છે. સામાન્ય રીતે આવી કામગીરીમાં કદાચ માત્ર ૧૦મિનીટ જેટલો સમય જ જતો હોય છે… પણ અસામાન્ય સંજોગોના કારણે આ પ્રક્રિયા ૧ કલાક ચાલે છે…’
શું છે આ અસામાન્ય સંજોગો…? ૬ વર્ષનો અમીત ૭૫% મનોદિવ્યાંગતા અને અન્ય અંગોમાં ૯૦% દિવ્યાંગતા ધરાવે છે. ‘આધાર કાર્ડ’ બનાવવાની પ્રક્રિયામાં ફીંગર પ્રિન્ટની સાથે આંખના રેટીનાનું સ્ક્રિનીંગ કરવુ પડતું હોય છે. મનોદિવ્યાંગતાના કારણે નાનુ બાળક ન સ્થિર બેસી શકે કે ન તેની માનસિકતા હોય..!
ત્યારે આવા સ્ક્રિનીંગ માટે લગભગ ૧ કલાક સમય નીકળી જાય તે સ્વાભાવિક છે… આજ રીતે ૯૦% મનોદિવ્યાંગત ધરાવતા અણદેજ ગામના ૧૪ વર્ષીય નઝીર ખોખર અને જીવણપુરા ગામની જાસલ મકવાણાને પણ આજ રીતે આધારકાર્ડ ઘરે જઈને આપવાની પ્રક્રિયા પુર્ણ કરાઈ છે.
અમદાવાદ ‘જિલ્લા વહીવટી તંત્રએ અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવીને જિલ્લામાં દિવ્યાંગ લોકોને ઘરે જઈને ‘આધાર કાર્ડ’ કાઢી આપવાની ઝુંબેશ હાથ ધરી છે.
આ અંગે વાત કરતા જિલ્લા કલેક્ટરશ્રી સંદીપ સાગલે કહે છે, ‘તાજેતરમાં અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની એક દિવ્યાંગ બાળકીને એક ખાનગી બેંક દ્વારા આધાર કાર્ડ આપવાનો ઈન્કાર કરાયો હતો તેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ દિવ્યાંગ બાળકીના ઘરે ટીમ મોકલી આધારકાર્ડ ફાળવી આપવા તંત્ર દોડતું કર્યું હતું.
આ અનુભવમાંથી દિવ્યાંગજનોએ આધારકાર્ડ જેવી બાબત માટે કોઈ જગ્યાએ જવું ન પડે તે બાબતે ધ્યાનમાં રાખીને જિલ્લાના સંપુર્ણ દિવ્યાંગ લોકોને ઘરે જઈને આધારકાર્ડ કાઢી આપવાની કવાયત હાથ ધરી છે. જે લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા કે સામાન્ય હલનચલન પણ નથી કરી શકતા તેવા લોકોને કોઈ પણ સરકારી કાર્ડ કે અન્ય પ્રક્રિયા માટે બહાર ન જવું પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રએ આ ઝુંબેશ હાથ ધરી છે…’એમ જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ, દેત્રોજ, ધોળકા અને દસ્ક્રોઈ તાલુકામાં ખાસ સર્વે કરીને મહત્તમ દિવ્યાંગતા ધરાવતા લોકોને શોધી કઢાયા છે. આવા ૪૬ લોકોની યાદી બનાવી ખાસ ટીમોને કામગીરી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ૪૬ પૈકી ૧૪ લોકોની તેમના ઘરે જઈને આધારકાર્ડ આપવાની પ્રાથમિક પ્રક્રિયા પુર્ણ કરી દેવાઈ છે. થોડાક સમયમાં તેમને કાર્ડ પણ મળી જશે. સાથે સાથે બાકી રહેલા લોકોને પણ સત્વરે આ ઝુંબેશમાં આવરી લેવાશે.
જિલ્લા કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય માનવીની જેમ દિવ્યાંગજનોને પણ બધા અધિકાર છે…દિવ્યાંગજનો સમાજ વ્યવસ્થાનો એક એવો હિસ્સો છે કે જેની માવજત થવી જોઈએ.. ઘરની બહાર નીકળવા પણ અસમર્થ એવા સંપૂર્ણ દિવ્યાંગ 14 લોકોને ઘરે જઈને આધાર કાર્ડની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્રએ હાથ ધરી છે. સમય, સ્થળ અને સુવિધા’ બધું જ લાભાર્થીઓની અનુકૂળતા પ્રમાણે…’
આ અભિગમથી વહીવટી તંત્ર દિવ્યાંગજનોને પોતિકાપણાની પ્રતિતી કરાવવા કટિબધ્ધ છે. વહીવટી તંત્રની સંકલ્પબધ્ધતા દિવ્યાંગજનોને હુંફ આપવાનું પીઠબળ પુરુ પાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલા “અંત્યોદયથી સર્વોદય”ના આદર્શને સાકાર કરવાની દિશામાં આ એક સ્તુત્ય પગલું છે.