‘સંબંધમાં પૈસો નાયક સાથે બની શકે ખલનાયક’
માનવી સમાજમાં રહેતો હોવાથી લોહીનો સંબંધ બંધાવાની સગપણ બને છે અથવા દૂરની સગાઇથી સંબંધો બંધાતા કે સંજોગાવશ કોઇ કારણોસર જરૂરિયાત પડવાથી એકબીજાના સંપર્કમાં આવવાથી પણ સંબંધ બંધાઇ જાય છે. બાળપણથી અથવા વિદ્યાલયમાં ભણતાં કે નોકરીયાત કે ધંધાકિય સંબંધમાં સંબંધ બંધાઇ જાય છે અને ધીરે ધીરે વ્યવહાર વધતા લોકો એકબીજાની નજીક આવી જતાં હોય છે. પાડોશી જોડે વાટકી વ્યવહાર બંધાતા વાર લાગતી નથી.તથા ધંધાકિય કે સામાજિક કારણોસર પૈસાની જરૂર પડતા કે તકલીફમાં મૂકાતા બીજા પાસે પૈસાની લેતીદેતી થતી જાય છે.
જરૂરીયાતમંદને પૈસાની મદદ મળતાં તે તેના અહેસાનને ન ભૂલતા સંબંધ વધારે છે અને જાળવી રાખે છે. કોઇ વખત પૈસાની લેતીદેતીમાં કોઇની મતિ બગડતા અથવા ગેરસમજ થવાથી સંબંધમાં તિરાડ પડવાથી જિંદગીભરનો મીઠો સંબંધ અબોલામાં ફેરવાઇ જાય છે. બાળપણમાં સાથે રહેતા, રમતા, ભમતા કે ભણતાં મિત્રો ભાઇ કરતા પણ વધુ ગાઢ સંબંધ વર્ષોથી હોવા છતાં પૈસાની લેતીદેતીમાં મનદુઃખ થતાં પૈસો ખલનાયક બની શકે છે. મિલકતની વહેચણી દરિમયાન અમુક પરિવારમાં ભાઇ ભાઇ કે કુંટુબના અન્ય સભ્યો વચ્ચે લોહીની સગાઇ કંટક રૂપ બની જતી હોય છે. પૈસો તો હાથનો મેલ છે.
કહે શ્રેણુ આજ
‘પૈસો તો હાથનો મેલ કહેવાય પરંતુ ન ચાલે તેના વગર કોઇને,
પૈસો બની બેઠો છે આજે પરમેશ્વર અને લોક બની ગયા તેના દાસ.
પૈસો શબ્દ જ એવો છે જે ગરીબીથી અમીરને, સ્ત્રી અને પુરુષને અને બાળ અબાળને બધાને વહાલો લાગતો હોય છે. પૈસાને કદી માલિક બનવા ન દેશો જોઇએ પરંતુ તેને પોતાની આજ્ઞામાં જ રાખવો જોઇએ. પૈસા પર માનવીનું વર્ચસ્વ નહિ રહે તો માનવીના મનમાં ઘમંડ રૂપી પારો ઊંચે જયા વગર રહેશે નહિ.
કહે શ્રેણુ આજ
‘રંગમંચના વિવિધ કલાકારોમાં હોય નાયક સાથે સાથે ખલનાયક,
સંસાર રૂપી રંગમંચમાં પૈસો બની શકે નાયક તો કદી ખલનાયક.
પૈસો કરે વિકાસ અને જાહોજલાલી અને તેનાથી પણ કરાય દાન-ધર્માદા,
પૈસો કરાવે કલહ-કંકાસ અને દેખાદેખી આ સંસાર રૂપી રંગમંચમાં’.
માનવીને લક્ષ્મી જાળવતા આવડવું જોઇએ. પૈસો તો આજે છે અને કાલ ન પણ હોય તે માનવીએ ભૂલવું ન જોઇએ.