સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર’ નું ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી આર.પી.ઢોલરીયાએ કર્યું ઉદ્ધાટન
દાહોદ: તા. ૦૨: દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે ‘સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર’ નું ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી આર.પી.ઢોલરીયાએ ઉદ્ધાટન કર્યું હતું. આ કેન્દ્ર જાતિય ગુનાઓ સહિતના વિવિધ ગુનાઓમાં ભોગ બનનારા અને બાળ સાક્ષી તથા વિવિધ જઘન્ય ગુનાઓમાં ભોગ બનનાર વિશિષ્ટ વર્ગ કે જેઓને કેસના બચાવપક્ષ તરફથી થતા અનુચિત પ્રભાવ કે દબાણ સામે રક્ષણ આપવાની જરૂર છે તેઓ માટે હશે. આ કેન્દ્રના મિત્રતાભર્યા વાતાવરણમાં સંવેદનશીલ સાક્ષી કોઇના પણ દબાણ કે ભય વિના જુબાની આપી શકશે.
આ કેન્દ્ર વિશે જણાવતા ન્યાયમૂર્તિ શ્રી આર.પી.ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ‘સામાન્ય માણસના મનમાં કોર્ટનો એક ડર હોય છે. ત્યારે સંવેદનશીલ સાક્ષી કોઇ પણ જાતના દબાણ, ભય, પ્રલોભન કે કોઇનાથી પણ પ્રભાવિત થયા વિના જુબાની આપે તે જરૂરી છે માટે એક મિત્રતાપૂર્ણ વાતાવરણ આ કેન્દ્રનું ઉભું કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં પણ સત્વરે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે તે આવકાર્ય છે.’
આ વિશિષ્ટ રીતે રચાયેલ કેન્દ્રમાં સંવેદનશીલ સાક્ષીને પ્રતિક્ષા કક્ષની સાથે ખાણી પીણીની જગ્યા, રમકડાં અને જુબાની કક્ષ ધરાવતો એક કોર્ટ રૂમ હશે કે જેમાં ઓડીયો વિડયો જોડાણના અમલીકરણની અધતન ટેકનોલોજીવાળી આઇપી કેમેરા આધારિત સીસીટીવી સાથે વાયરલેસ હેડફોનવાળી પીએ સાઉન્ડ મીક્સર સીસ્ટમ જેવા ઉપકરણોથી સજ્જ હશે. આ જુબાની કેન્દ્ર ભારતની નામદાર સવોચ્ચ અદાલતના વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮ માં આપવામાં આવેલા નિર્દશો અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે.
આ કેન્દ્ર ખાતે સંવેદનશીલ સાક્ષી માટે કોર્ટ રૂમમાં પ્રવેશ માટેની એક વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેથી તેને આરોપી પક્ષ તરફથી મળતા દબાણ-પ્રભાવથી બચાવી શકાય. કોર્ટની મુલાકાત લેતા બાળકને પરંપરાગત કોર્ટ જેવો અનુભવ ન થાય તે માટે તેને માત્ર બાળ સાક્ષી પ્રતિક્ષા ખંડ અને બાળ સાક્ષી નિવેદન કક્ષમાં બેસાડવામાં આવશે. બાળ સાક્ષી પ્રતિક્ષા ખંડ સાથે ખાણી પીણીની જગ્યા, શૌચાલયની સગવડ અને રમકડાં, સેટ ટોપ બોક્ષ સાથેના ટેલીવીઝન સેટ બાળકોની મલ્ટીમિડિયા સામગ્રીથી સજ્જ છે.
ન્યાયાધીશ, વકીલ કે આરોપીને બાળ સાક્ષી કે ભોગ બનનાર સાથે કોઇ પ્રત્યક્ષ રૂબરૂ સંપર્ક હોતો નથી. તેની સાથે મદદગાર વ્યક્તિ બેસે છે જે અદાલતને બાળક સાથે સંપર્ક કરવામાં મદદરૂપ થશે. જે કોઇ પણ પ્રશ્ન પૂછવો હોય તે સાક્ષી જુબાની કક્ષમાં રાખવામાં આવેલા વાયરલેસ હેડફોનના માધ્યમથી મદદગાર વ્યક્તિ તે પ્રશ્ન બાળ સાક્ષી કે ભોગ બનનારને મૈત્રીપૂર્ણરીતે પૂછશે.
આ તમામ બાબતો સીસીટીવી માધ્યમથી કોર્ટરૂમમાં જોઇ સાંભળી શકાશે. જુબાની નોંધી શકાશે. આરોપી કોર્ટ રૂમમાં આવેલા ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા એક તરફી પારદર્શક કાચવાળા આરોપી ખંડમાં બેસશે. કોર્ટ રૂમમાં આવેલું મોટું ડીસ્પલે યુનીટ પણ ત્યાં હશે. પરંતુ સામાન્ય રીતે ન્યાયાધીશ દ્વારા આરોપીની ઓળખ કરવાનું ચોક્કસપણે કહેવામાં આવે ત્યારે જ બાળકને આરોપીનું ફુટેજ પડદા ઉપર દર્શાવવામાં આવશે.
એડીશનલ ડીસ્ટ્રીકટ જજ શ્રી વી.આર. રાવલ દ્વારા તેનું એક નિદર્શન પણ ઉપસ્થિત મહાનુભાવોને કરવામાં આવ્યું હતું.આ વેળાએ દાહોદ જિલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી આર.એમ.વોરા, પંચમહાલ અને ગોધરાના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ જજશ્રી, દાહોદ જિલ્લાના પ્રિન્સીપાલ ફેમીલી જજ શ્રી કે.આર. ઉપાધ્યાય, પાંચમા એડીશનલ ડિસ્ટ્રીકટ જજશ્રી બી.એચ.સોમાણી, છઠ્ઠા એડીશનલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પી.પી.પુરોહિત, જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડી સહિતના અધિકારીશ્રીઓ અને જિલ્લાના અગ્રણી વકીલો ઉપસ્થિત રહ્યા હતા.