Western Times News

Gujarati News

સંસદના શિયાળુ સત્રનો આરંભ થતાં સરકાર તમામ મુદાઓ પર ચર્ચા માટે તૈયારઃ રિજિજુ

સત્રની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે તમામ પક્ષોની બેઠક યોજાઈ હતી, સંસદના શિયાળુ સત્રમાં અદાણી સહિતના આ મુદ્દાઓ પર ગૃહમાં ગરમાગરમી થઈ શકે છે

નવી દિલ્હી,સોમવારથી ૧૮મી લોકસભાનું શિયાળુસત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર તોફાની બની રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સત્રની શરૂઆતના એક દિવસ પહેલા રવિવારે તમામ પક્ષોની બેઠક યોજાઈ હતી. સંસદના શિયાળુ સત્રમાં અદાણી સહિતના આ મુદ્દાઓ પર ગૃહમાં ગરમાગરમી થઈ શકે છે. આમ શિયાળુસત્ર તોફાની બને તેવી પૂરી સંભાવના દર્શાવાઈ રહી છે. વિપક્ષે હંગામો કરવાની તૈયારીઓ કરી લીધી છે. વિરોધપક્ષોએ મુદ્દાઓની લાંબી યાદી તૈયાર કરી છે. વિપક્ષ શિયાળુસત્રમાં અદાણી અને મોંઘવારી સહિતના અનેક મુદ્દા ઉઠાવી શકે છે.

આ સંદર્ભમાં, અદાણી ગ્રુપ સામેના લાંચના આરોપો પર ચર્ચા કરવાની વિરોધ પક્ષોની માંગ વચ્ચે, સરકારે જણાવ્યું હતું કે બંને ગૃહોની કાર્યમંત્રણા સમિતિઓ શિયાળુસત્રમાં ચર્ચા માટેના મુદ્દાઓ પર નિર્ણય કરશે. જોકે સામે સરકારે વિપક્ષોને સંસદનું કામકાજ સુચારૂરૂપથી ચાલે તે સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી છે. સંસદનું શિયાળુ સત્ર ૨૫ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કે ‘સરકાર તમામ મુદાઓ પર ચર્ચા માટે તૈયાર છે.

પરંતુ અમારી એટલી જ વિનંતિ છે કે બન્ને ગૃહોની કાર્યવાહી સુચારૂરૂપથી ચાલવા દેવામાં આવે.’ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે ‘અમે પક્ષોના ફ્લોર મેનેજરો દ્વારા ચર્ચા માટેના મુદ્દાઓ અંગેના સૂચનોની નોંધ લીધી છે અને તેને લોકસભા અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સાથે શેર કરીશું. બન્ને ગૃહોની કમિટીઓ એજન્ડા નક્કી કરશે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરાશે. આ સત્રમાં ચર્ચા માટે ૧૭ બિલો આવી શકે છે.’ સંસદના શિયાળુ સત્રનો સોમવારથી આરંભ થઈ રહ્યો છે. આ સત્ર માટે પોતાની સંયુક્ત રણનીતિ બનાવવા માટે સોમવારે સવારે ઈન્ડિયા ગઠબંધનના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક સોમવારે સવારે ૧૦ કલાકે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં મળશે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાધી પણ વિચાર-વિમર્શ કરવા માટે બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. વિપક્ષ કેટલાય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે, જેમાં અમેરિકામાં અદાણી પર કેસ, મણિપુર હિંસા અને મોંઘવારી સહિતના મુદ્દાઓ સામેલ છે. ઈન્ડિયા ગઠબંધનના સહયોગી પક્ષોની આ બેઠક મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધનની જીત અને ઝારખંડમાં ઇન્ડિયા ગઠબંધનની જીતના બે દિવસ પછી યોજાઈ રહી છે.આ વર્ષે પણ ૨૬મી નવેમ્બરે ‘બંધારણ દિવસ’ના અવસર પર જૂના સંસદભવનના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમ આયોજિત કરાશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બંધારણ સભા દ્વારા બંધારણને અપનાવવાના ૭૫ વર્ષ પૂરા થવાના અવસર નિમિત્તે એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લશે. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજ્જૂએ રવિવારે કહ્યું કે, આ કાર્યક્રમ ‘સંવિધાન સદન’ના ઐતિહાસિક સેન્ટ્રલ હોલમાં આયોજિત કરાશે. આ એ જ જૂનુ સંસદ ભવન છે, જ્યાં ૨૬મી નવેમ્બર, ૧૯૪૯ના દિવસે બંધારણ સભાએ બંધારણને અપનાવ્યું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.