સંસદની કેન્ટીનમાં ભજીયાથી લઈને નોનવેજ બુફે થયા મોંઘા, 100 રૂપિયામાં વેજ થાળી
નવી દિલ્હીઃ સંસદની કેન્ટીનમાં મળનારું ભોજન હવે પહેલાથી મોંઘું થઈ ગયું છે. 29 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્રથી પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદની કેન્ટીનના ભોજનમાં મળનારી સબ્સિડીને ખતમ કરી દીધી છે. તેના કારણે હવે મળનારા ખાવા-પીવાના તમામ વ્યંજન મોંઘા થઈ ગયા છે. ત્યારબાદ હવે કેન્ટિનમાં શાકાહારી થાળી 100 રૂપિયામાં મળશે. પહેલા શાકાહારી થાળી60 રૂપિયામાં મળતી હતી. સાથોસાથ નોનવેજ બુફે હવે 700 રૂપિયામાં મળશે.
મળતા રિપોર્ટ્સ મુજબ, સંશોધિત નવા ભાવ અનુસાર સંસદની કેન્ટીનમાં ચા પહેલાની જેમ જ 5 રૂપિયામાં, કોફી 10 રૂપિયામાં અને લેમન ટી 14 રૂપિયામાં મળશે. શાકાહારી થાળી 100 રૂપિયામાં મળી શકે છે જે પહેલા 60 રૂપિયામાં મળતી હતી.
આ ઉપરાંત કેન્ટીનમાં હવે સૌથી સસ્તા ભાવે માત્ર રોટી જ મળશે. તેની કિંમત 3 રૂપિયા હશે. ચિકન બિરયાનીની કિંમત હવે વધીને 100 રૂપિયા થઈ જશે. ચિકન કરી 75 રૂપિયામાં મળશે. પ્લેન ડોસાનો ભાવ 30 રૂપિયા થઈ જશે. બીજી તરફ મટન બિરયાની 150 રૂપિયામાં મળશે. તેની સાથે જ હવે વેજ ભજીયાનો સ્વાદ 50 રૂપિયામાં માણી શકશો.
નોંધનીય છે કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે જણાવ્યું હતું કે સંસદની કેન્ટીનમાં સાંસદો, અન્યને ભોજન પર આપવામાં આવતી સબ્સિડી બંધ કરી દેવામાં આવી છે જેના કારણે હવે કેન્ટીનનું ભોજન મોંઘું થઈ વશે. બિરલાએ તેની સાથે જોડાયેલા નાણાકીય પાસાઓ વિશે કોઈ જાણકારી નહોતી આપી.