સખત ખંજવાળ, લાલ ચકામા, શીળસ
દરેક માણસને જુદીજુદી રીતે હેરાન કરતી એલર્જીની બીમારીઓમાં ૨૦% લોકોને જિંદગીમાં એક વખત ચામડીની એલર્જી જેને શીળસ કહેવામાં આવે છે તેનાથી હેરાન થવું પડે છે. તેમાં સ્ત્રીઓમાં પુરુષો કરતાં આનું પ્રમાણ વિશેષ જણાય છે. બાળકો પણ આ તકલીફથી પીડાય છે.
શીળસ થવાનાં કારણોઃ
હવામાં ઊડતી પરાગરજ, ફૂગ, ધૂળની રજકણ, અવાવરુ રજના શ્વાસમાં જવાથી, શ્વસનતંત્રની એલર્જી સાથે કે તેના વગર શીળસ થઈ શકે છે. ચામડી પર લગાડેલી દવાના સંસર્ગથી કે રસાયણ, કોસ્મેટિક, દાગીના ડાયપર, કૃત્રિમ રેસાનાં કપડાં, ડાઘા સાથેનાં કપડાં વગેરેના સંસર્ગથી તરત જ ચામડી પર ખંજવાળ ઊપડી લાલ ચાઠાં સાથે શીળસ થતી જણાય તો ખબર પડી જશે કે દર્દીને શેની એલર્જી છે? કેટલાક ખાટા, આથાવાળા, પડી રહેલા ખોરાક લેવાથી.
કેટલાક પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે કઠોળ, સીંગદાણા, ઈંડાં, જેલીફિશ, મટન, માછલી વગેરે ખાધા પછીથી. દવાઓ જેવી કે પેનિસિલિન, સલ્ફા, એસ્પીરીન વગેરે લીધા પછીથી. કેટલાંક ભૌતિક કારણો જેવાં કે સખત ઠંડીથી, દબાણ આવવાથી, સૂર્યપ્રકાશની તીવ્રતાથી વગેરેને લીધે પણ શીળસ થઈ શકે છે.
જીવજંતુઓ, મધમાખી, કીડી, મંકોડા, ભમરી વગેરેના કરડવાથી, પહેલાં કરડેલી જગ્યાએ લાલ ચાઠાં જેવું થાય છે, પછીથી આખા શરીરે શીળસ દેખાય છે. બાળકને રસીઓ આપવાથી, બહારનું લોહી ચડાવવાથી કે લોહીની બનાવટો ઈંજેક્શન રૂપે આપ્યા પછીથી આવું થાય તો તરત જ આપનાર ડોક્ટરને બતાવી દેવું. કેટલાંક કૂતરાં, બિલાડી જેવાં પ્રાણીઓની લાળના સંસર્ગથી. ચેપી રોગો, વાઈરસ, બેક્ટેરિયા, ફૂગ કે કેટલાક એકકોષી જીવોનો ચેપ લાગવાથી ચામડી પર શીળસ નીકળી શકે છે. કેટલીક કૌટુંબિક અને વારસાગત બીમારીઓથી પણ શીળસ થતી જણાય છે.
શરીરમાં રહેલા કેટલાક રોગો જેવા કે લોહીનું કેન્સર, લીમ્ફોમા, હાઈપર થાઇરોઈડ વગેરેને લીધે પણ શીળસ થતી જણાય છે. છેલ્લે માનસિક કારણો જેવાં કે તનાવ, દબાણ, ચિંતા, શોક વગેરેને લીધે પણ શીળસનો હુમલો વધતો જણાય છે.
ચિહ્નો અને નિદાનઃ દર્દી જેવો એલર્જનના સંપર્કમાં આવે કે તરત જ ચામડી ઉપર ખંજવાળ ચાલુ થાય છે. લાલ કલરના ઊપસી આવેલાં, કિનારી બંધાયેલાં ચાઠાં જોવા મળે છે. જે જુદીજુદી જગ્યાએ જુદાજુદા આકારના અને સાઈઝના જણાય છે. તે આપમેળે બેસી જાય છે.
અમુક કિસ્સાઓમાં તે એક વાર થયા બાદ વળી જુદી જગ્યાએ નવેસરથી પણ થાય છે. પછી બાળક જેમ વલૂરે તેમ અંદર વધારે ખંજવાળ આવે છે. સાથેસાથે મોં પર અને હોઠની આજુબાજુ સોજો આવે તેને એન્જિઓઈડીમા કહે છે, જે કોઈ વખત જોવા મળે છે, તો કોઈ કેસમાં જોવા મળતું નથી.
શીળસ નીકળ્યા પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જાય છે કે દવાથી બેસી જાય છે. કેટલાક કેસોમાં તે લાંબો વખત નીકળ્યા કરે અને ૬ અઠવાડિયાંથી વધારે સમય જતો રહે તો તેને કાયમી શીળસ કહી શકાય.
શીળસની સારવાર: શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા.
મારી ઉંમર હાલ ૨૮ વર્ષની છે. છેલ્લા બે ત્રણ વર્ષથી હું ખૂબ જ રીબાઉં છું. મને શેની બીમારી છે તે ખબર પડતી નથી. ડોકટરની દવા કરી પણ રોગ મચક આપતો નથી. છેલ્લા બે ત્રણ વર્ષથી મને સાથળ પર ચકામા જેવું થાય છે. પહેલાં જરા, લાલ ટપકાં જેવું લાગે, જાણે મચ્છર કરડી ગયું હોય તેવું લાગે. પછી તે ધીમે ધીમે ફેલાતું જાય અને પછી ખંજવાળવાનું પણ ખૂબ મન થાય. હવે મને બગલ પાસે પણ આવું થવા માંડયું છે. મેં ડોકટરને બતાવ્યું તો ડોકટરે દસ દિવસનો દવાનો કોર્સ કરાવ્યો. કાબૂ રાખવા છતાં ઘણીવાર ખૂબ ખંજવાળાઇ જાય છે. પહેલાં ટપકાં જેવું લાગે. સાથળ પર જરા સોજો આવે. ઘણીવાર એ ભાગ પણ જાણે કડક થઇ જાય અને બધાં ટપકાં મોટા થઇને આખા સાથળ પર ફેલાઇ જાય.
દવા લીધી ત્યાં સુધી ઠીક પણ ફરી પાછું એનું એ જ. મને ખ્યાલ છે ત્યાં સુધી સવારે નથી થતું પણ બપોર પછી જ થાય છે. હું ત્યાં ઘણીવાર ટેલ્કમ પાવડર લગાડું છું. થોડી રાહત લાગે રાત્રે સૂઇને ઊઠું ત્યારે ગાયબ થઇ જાય. પણ પાછું બીજા દિવસે ચાલુ થઇ જાય. કોઇક વાર જરાક થાય તો કોઇક વાર ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે અને મટી ગયા પછી તે ભાગ જાણે કાળો પડતો જાય છે. બીજું મેં બે ત્રણ ડોકટરને બતાવ્યું છે. એવું નથી કે બેસી રહી છું. પણ એમણે સૂચવેલા કોઇ જ ઈલાજ કારગત નથી થયા અને આથી જ થાકીને આપને કોઇ ઈલાજ સૂચવવા વિનંતી કરી રહી છું. દરેક ડોકટરના અલગ અલગ અભિપ્રાય હોય છે. અને આથી હવે તો હું કંટાળી ગઇ છું.
દહીં, ટમેટા, શિખંડ, લીંબુ, જમરૂખ, ખાટાં તમામ ફળ, કેરાનું અથાણું, લીંબુનું અથાણું તથા હાંડવો, ઢોકળા, ખમણ, ઈડલી, ઢોંસા, ઉત્તપમ, દહીંવડા તથા તથા ખાટાં પીણાં પીવાથી આ રોગ વધે. અને વકરે છે. એ જ રીતે આઇસક્રીમ, ઠંડા પીણાં અને ઠંડો પવન કે એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ ઢીમચાં અને ખંજવાળ ઉપડી આવે છે. ઘણા લોકોને રાત્રિની ઠંડક અથવા એરકન્ડીશન્ડના કારણે પણ રાત્રે આ શીળસ, શીતપિત્ત અથવા તો અર્ટિકેરિયાની તકલીફ ચાલુ થઇ જાય છે. આવે વખતે નવા પ્રોટીનયુક્ત ખોરાક, દવાઓ, કોસ્મેટિક્સ, રસાયણો, કૃત્રિમ રેસાનાં કપડાં વગેરે તમામ બંધ કરવા પડે છે. શીળસ નીકળે પછી ૪૮ કલાકમાં આપમેળે બેસી જતી બીમારી છે,
ટૂંકમાં તમને લાલ ચકામા, ઢીંમચા અને ખંજવાળની જેમ તકલીફ થાય છે તેનો ઈલાજ આ પ્રમાણે છે. સારી ફાર્મસીનું હરિદ્રાખંડ લાવી સવારસાંજ એક એક ચમચી ફાકી જવું. હરિદ્રાખંડમાં હળદર, દારૂહળદર, નસોતર, નાગરમોથ, અજમો, અજમોદ, ચિત્રકમૂળ, કુડુ, સફેદ જીરૂ, પીપર, સૂંઠ, નાની એલચી, તજ, તમાલપત્ર, વાવડિંગ, ગળો, અરડૂસી, કઠ, ઉપલેટ, હરડે, બહેડા, આમળાં, ચવ્ય, ધાણા, લોહભસ્મ, અભ્રકભસ્મ અને ખાંડ વગેરે સત્તાવીસ ઔષધોનું સંયોજન હોય છે. આ ઔષધ સ્વાદિષ્ટ હોય છે. રોજ સવારસાંજ એકથી બે ચમચી લેવામાં આવશે તો આપની તકલીફ અવશ્ય જશે.
આ સિવાય એક ઘરગથ્થુ પ્રયોગ આ પ્રમાણે છે. અજમો, મરી અને હળદરનું સમભાગે ચૂર્ણ લઇ જૂના ગોળમાં મેળવી સોપારી જેવડી ગોળી વાળી સવારસાંજ બે બે ખાવી. કાળા મરી નું ચપટીક ચૂર્ણ ચોખ્ખા ઘીમાં મેળવી સવારસાંજ ચાટી જવાથી પણ લાભ થાય છે. દર્દીને શીળસ શેનાથી થાય છે, એટલે કે એલર્જન પકડાઈ જાય પછી તેનાથી દૂર રહેવું એ પહેલી સારવારની શરત છે. કેટલાક કેસોમાં બાળકને શેની એલર્જી છે, તે પકડવું ખૂબ મુશ્કેલ હોય છે. તેમાં પણ ઉપર જણાવેલાં તમામ કારણો એક પછી એક ચકાસીને નક્કી કરવું પડે છે કે, દર્દીને એલર્જી શેની છે? અમલા, જેઠીમધ, કપૂરકાચલી, ચંદન પાવડર, મોથ વીગેરે થી સ્નાનરજ પાવડર બનાવી,
સ્નાનરજ થી દરોજ નિયમિત સ્નાન કરવાથી ફાયદો થાય છે. મહામરિચ્યાદિ તેલની રોજ સાંજે અથવા તો તકલીફ થાય તે પહેલાં માલિશ કરવી. રક્તદોષનાશક ટીકડી સારિવા ટીકડી મંજિષ્ઠઆદિ ક્વાથ એ બધી ઔષધીયોનું સેવન વૈદ્યની સૂચના પ્રમાણે ચાલુ કરવી જોયે. તકલીફ જડમૂળથી જાય ત્યાં સુધી આ બધા ઉપચાર ચાલુ રાખવા. આમ, ચામડીની એલર્જી શીળસથી બહુ ડરવાની જરૂર નથી, પરંતુ તેની તકલીફો જોતાં એક વખત નિષ્ણાતને બતાવી પાકું નિદાન કરાવવું જરૂરી છે.