Western Times News

Gujarati News

સગર્ભાની અત્યંત જોખમી પ્રસૂતિ સફળતાપૂર્વક કરતા સિવિલના તબીબો

બાળકનો વિકાસ ગર્ભાશયમાં નહીં પરંતુ પેટના ભાગમાં થયો હતો

મારા 29 વર્ષના તબીબી કાર્યકાળમાં આવો કિસ્સો બીજો છે:- ગાયનેક વિભાગના વડા ડૉ. અમિય મહેતા

સિવિલ હોસ્પિટલના તબીબોએ સારવારની સાથે મારી પત્નિને હિંમત અને બાળકને પ્રેમ આપી નવજીવન બક્ષ્યુ : વિનોદભાઇ

કોરોનાકાળમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પાર્વતીબેન કે જેઓ અગાઉ ટી.બી.ની બિમારીથી પીડાતા હતા. ગર્ભાવસ્થા દરમિયાન 8માં માસે તેઓને તકલીફ જણાઇ આવતા સામાન્ય તપાસ અર્થે હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં સોનીગ્રાફી કરાવવામાં આવતા કંઇક ગંભીર અને પહેલા ક્યારેય ન જોયુ હોય તેવી પરિસ્થિતિ જણાઇ આવી. જેથી ત્યાના તબીબોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે જવા કહ્યુ. ત્યારબાદ જે બન્યુ તે અકલ્પનીય હતુ.

પાર્વતીબેન સોનોગ્રાફીના રીપોર્ટ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચ્યા.અહીં ગાયનેક વિભાગના વડા ડૉ. અમિય મહેતાની ટીમ દ્વારા તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી. તેઓનો કોરોના રીપોર્ટ પણ કરવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો પરંતુ તેઓને ન્યૂમોનિયાની અસર હતી. અન્ય તબીબી તપાસ દરમિયાન પાર્વતીબેનનો ગર્ભ ગર્ભાશયની બહાર બન્યો હોવાનું જણાઇ આવ્યુ.જે જોઇ તમામ તબીબો આશ્ચર્ય ચકિત થઈ  ગયા.

આ જોતા તબીબો પાર્વતીબેનની સોનોગ્રાફી, એમ.આર.આઇ તેમજ અન્ય રીપોર્ટ કરાવવામાં આવતા જાણવા મળ્યુ કે પાર્વતીબેનના ગર્ભના મેલી (પ્લેસેન્ટા) અને ગર્ભ બંને ગર્ભાશયની બહાર પેટના ભાગમાં વિકસિત છે . તેમના મેલીનો ભાગ પેટના વિવિધ અંગો  જેવા કે આંતરડા, કિડની સાથે જોડાયેલો  હોવાથી આ તમામ પરિસ્થિતી સાથે પ્રસુતિ ખૂબ જ પડકારજનક બની રહી હતી. આવા પ્રકારની પ્રસુતિમાં નિષ્ણાંત અને અનુભવી તબીબોના માર્ગદર્શન અને સંકલનની ખાસ જરૂર પડતી હોય છે. તેમજ આવા પ્રકારના કેસમાં ગહન અભ્યાસ પણ જરૂરી બની રહે છે.

આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને પૂરી સાવચેતી સાથે ગાયનેક વિભાગના વડા ડૉ. અમિય મહેતા અને તેમની ટીમના નિષ્ણાંત તબીબો મદદનીશ પ્રધાયપક ડૉ. પ્રેરક મોદી અને ડૉ. રિંકી અગ્રવાલ , અન્ય રેસીડેન્ટ તબીબોએ અનેસ્થેસ્થિયા વિભાગના તબીબોના સંકલન સાથે આ પડકારજનક પ્રસુતિ કરવાનું બીંડુ ઉપાંડ્યુ. અંદાજે 2 કલાક ચાલેલી સર્જરી બાદ પાર્વતીબેને 1.8. કિલો ગ્રામના સ્વસ્થ , તંદુરસ્ત સમીરને જન્મ આપ્યો.

પ્રસુતિ બાદ પાર્વતીબેનની પીડાનો અંત આવ્યો ન હતો. પ્રસુતિ બાદ મેલીનો ભાગ પેટમાં યથાવત રાખવામાં આવ્યો કારણ કે તેને નીકાળવામાં આવે તો અત્યંત રક્તસ્ત્રાવ થવાનો ભય રહેતો હોય છે જે કારણોસર પેટના ભાગના અન્ય અવયવોને પણ નુકસાન પહોંચી શકે તેવી સંભાવનાઓ પ્રબળ રહેલી હોય છે. જે કારણોસર મેલીને પેટમાં જ રાખવામાં આવી .

સારવાર માટે દાખલ થયા તે પહેલા પાર્વતીબેન સેપ્ટીસેમીયા (રૂધિરમાં ઇન્ફેકશ ફેલાઇ જવુ) ની પરિસ્થિતિ સર્જાતા અને સ્વાસ્થય સ્થિતિ પણ અતિગંભીર અવસ્થામાં પહોંચી  જતા તેઓને  ત્વરીત સારવાર અર્થે આઇ.સી.યુ.માં ખસેડવામાં આવ્યા. જ્યા તેઓને 4 દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવ્યા. આ દરમિયાન  ભારે એન્ટીબાયોટીક અને મોંધી દવાઓ, તબીબોના સતત  નિરીક્ષણ અને અન્ય સ્ટાફની દેખરેખ હેઠળ દોઢ મહીનાની સારવાર બાદ પાર્વતીબેન સંપૂર્ણપણે સ્વસ્થ થઇને પોતાના ઘરે પરત ફર્યા .

પાર્વતીબેનના પતિ શ્રી વિનોદભાઇ કહે છે કે હું લોડીંગ રીક્શા હાંકીને મારા પરિવારનું ગુજરાન ચલવું છું. મારી પત્નિના ગર્ભાવસ્થા દરમિયાન એકાએક આવી પડેલી મુશકેલી જોઇને અમારો સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતીત બન્યુ હતુ. પરંતુ અમે જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા ત્યારે સારવારની સાથે સાથે અહીં અમને સાંતવ્ના , પ્રોત્સાહન પણ નિયમિત મળતુ રહ્યુ. અહીંના તબીબોએ ખરા અર્થમાં દેવદૂત બનીને જ મારા બાળક સમીરની સાથે સાથે મારી પત્નીને નવજીવન બક્ષ્યુ છે . હું કદાચ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો હોય તો મારૂ બાળક કે પત્ની બચી શક્યા ન હોત જે માટે હું સિવિલ હોસ્પિટલ અને રાજ્ય સરકારનો આજીવન ઋણી રહીશ.

કેમ આ સર્જરી દુર્લભ છે….

આવા પ્રકારના પ્રાઇમરી એબ્ડોમિનલ પ્રેગન્નસીના કિસ્સામાં ગર્ભનો વિકાસ ગર્ભાશયને બદલે અન્ય અંગ પર થતો હોય છે. તે દરમિયાન માતાને ધ્યાને ન આવે અને મેલી છૂટી પડી જાય તો માતાને હેમરેજ થવાની સંભાવના પ્રબળ રહેલી હોય છે. જે કારણોસર માતાનું મૃત્યુ પણ નિપજી શકે છે.મેલીને ઓગાળવાના પણ પ્રયત્ન કરવામાં આવે ત્યારે પણ માતાને નુકસાન પહોંચી શકે તેમ હોય છે.

-અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.