સગા ભાઈએ ધક્કો મારી મનોદિવ્યાંગને પછાડ્યા બાદ પિતાએ માથામાં બેલુ મારતા થયું મોત
મોટી ખીલોરીમાં મનોદિવ્યાંગ પુત્રની હત્યામાં પિતા-પુત્રની ધરપકડ
ગોંડલ, ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે યુવાનના કુદરતી મોત કે હત્યાની શંકાસ્પદ ગુથ્થી પોલીસે ગણતરીની કલાકોમાં જ સુલજાવી લઈ આરોપી પિતા પુત્રની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બુધવારના પરોઢિયે ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે માનસિક બિમારીથી પીડાતા હરેશ બાબુભાઈ સોરઠીયા નામના યુવાનનું મોત નીપજતા પરિવારના ગણ્યા ગાઠિયા સભ્યોએ સાથે મળી તેની અંતિમ વિધિ કરી નાખી હતી.
પરંતુ યુવાનની હત્યા નીપજાવવામાં આવી હોવાની માહિતી મળતા સુલતાનપુર પોલીસ મથકના પી.એસ.આઈ રાજદીપસિંહ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
પોલીસ પુછપરછમાં મૃતક હરેશના પિતા બાબુભાઈ સોરઠીયા અને ભાઈ હસમુખભાઈ કબુલાત આપતા જણાવ્યું હતું કે હરેશ માનસિક બીમારીના કારણે અવારનવાર ઝઘડા કરતો હોઈ બુધવારના પરોઢીયે ઝઘડો થતા મારામારી થઈ હતી. દરમિયાન હસમુખે હરેશભાઈને ધકકો મારતા તે નીચે પટકાયો હતો દરમિયાન બાબુભાઈએ બેલાના ઘા માથામાં મારતા તેનું મોત નીપજયું હતું
અને આ હત્યાને કુદરતી મોતમાં નિપજાવી દેવા માટે પરિવારના ગણ્યા ગાંઠિયા સભ્યોએ એકઠા થઈ તેની અંતિમવિધિ પણ કરી નાખી હતી બાદમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાની ગુથ્થી સુલજાવી લઈ આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.