સગા ભાઈએ મોબાઇલ અપાવવાની લાલચમાં ૧૦ મહિના સુધી દુષ્કર્મ આચર્યું

Files Photo
ભુજ: ભચાઉ તાલુકાના નવાવાસમાં બનેલી ઘટના પગલે અરેરાટી ફેલાઈ છે, જેમાં સગા ભાઈએ પોતાની સગીરવયની બહેનને મોબાઇલની લાલચ આપી સતત ૧૦ મહિના સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી નાખી હતી. એ બાદ સગીરાએ પુત્રીને જન્મ પણ આપ્યો છે. આ ચકચારી બનાવમાં સગી માતાએ પુત્ર વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.
બનાવ અંગે ભચાઉ પોલીસ મથકેથી ભચાઉ તાલુકાના નવાવાસ વિસ્તારમાં રહેતી મહિલાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ૨ દિવસ પહેલાં તેની ૧૬ વર્ષીય પુત્રીના પેટમાં અચાનક દુખાવો ઊપડતાં તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતો, જ્યાં તેને ૯ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાથી ચોંકી ઊઠેલા પરિવારે તાત્કાલિક સગીરાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં તેણે પુત્રીને જન્મ આપ્યો હતો.
આ બનાવ અંતર્ગત સગીરાના પિતા દ્વારા ભચાઉ પોલીસ મથકે જાણવાજાેગ ફરિયાદ નોંધાવી હતી. એ બાદ પોલીસ તપાસમાં સગીરાના સગા ભાઈએ ૧૦ મહિના પહેલાથી મોબાઈલ લઈ આપવાની લાલચ આપી ઘરમાં કોઈ ન હોય ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું હતું. જે બાબત પરિવાર સામે આવતા સગી માતાએ પોતાના જ પુત્ર વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
આ અંગે રાપર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ફતેગઢ ગામમાં રહેતી સગીરા જ્યારે ઘરમાં સૂતી હતી ત્યારે ફતેગઢ ગામમાં જ રહેતો આરોપી ખોડા દેસરા રબારી સગીરાના ઘરમાં જઈ તેને થપ્પડ મારી બાવડું પકડી શારીરિક અડપલાં કર્યા હતા. જે દરમ્યાન સગીરાની માતા વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ બે થપ્પડો મારી ત્યાંથી નાસી ગયો હતો. જે બનાવ બાદ સગીરાની માતાએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.