Western Times News

Gujarati News

સગીરાના હત્યા બાદ જેતલસર ગામ સજ્જડ બંધ, હત્યારાને જાહેરમાં સરભરા કરો : પરિવાર

જેતપુર: જેતપુર તાલુકાના જેતલસર ગામે સગીરાની હત્યાના વિરોધમાં ગામ સજ્જડ બંધ રહ્યું. ગઈકાલે ગામની સૃષ્ટિ રૈયાણીની તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. ગામના લોકોએ આજે ધંધા રોજગાર બંધ રાખી આરોપીને પકડવાની અપીલ કરી છે. જયેશ સરવૈયા નામના યુવાને સગીરાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સગીરાના માતા-પિતા ખેતરમાં હતા ત્યારે તેના ઘરમાં ઘૂસીને જ હત્યા કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી.

ગઈ કાલે જેતપુર તાલુકાના જેતલસર ગામમાં એક સગીરાની ભર બપોરે હત્યા થઈ હતી. ગામમાં રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ રૈયાણીની હત્યા તેના જ ઘરે કરવામાં આવી હતી. તેના પ્રેમી દ્વારા અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું છે.

આજે ગામના લોકો સ્વયંભૂ એકઠા થયા હતા અને ગામના તમામ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સાથે સાથે મૃતક શ્રૃષ્ટિના પરિવારજનોએ માંગ કરી કે, હત્યારા જયેશ સરવૈયાની જાહેરમાં સરભરા કરવામાં આવે અને જ્યાં સુધી જયેશની જાહેરમાં સરભરા કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતક સગીરાની લાશ સ્વીકારવામાં નહિ આવે. ગામના બંધના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી જાળવવામાં આવી હતી.

જેતલસર ગામના પરા વિસ્તારમાં ભર બપોરે ૪ વાગ્યાની આસપાસમાં એક ઘરમાં ખૂની ખેલ ખેલાયો હતો. પરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીનું ઘર આવેલું છે. કિશોરભાઈ અને તેમની પત્ની બંને ખેતી કામ માટે ખેતરે હતા. તેમની પુત્રી શ્રુષ્ટિ અને તેનો ભાઈ હર્ષ બંને ઘરે હતા. ત્યારે શ્રુષ્ટિનો પ્રેમી જયેશ સરવૈયા ઘરે આવ્યો હતો અને શ્રુષ્ટિને તેની સાથે આવવા માટે કહ્યું હતું. શ્રુષ્ટિએ અને તેના ભાઈએ આ બાબતનો વિરોધ કરતા જયેશ ઉશ્કેરાઈ ગયો હતો અને હર્ષને છરીના ઘા માર્યા. ત્યાર બાદ જયેશે જુનુનમાં આવીને શ્રૃષ્ટિ પર આડેધડ છરીના ઘા માર્યા હતા. જયેશ ઉપર એટલું જુનુન ચઢી ગયું હતું કે તેણે યુવતીને પીઠમાં ૧૩ જેટલા છરીના ઘા માર્યા હતા. જેમા શ્રૃષ્ટિનું મોત નિપજ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.