ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને મફત સારવાર નહીં મળે !
છેલ્લા એક મહીનામાં કોરોનાના દૈનિક અને એકટીવ કેસમાં ૩૦૦ ટકાનો વધારો
(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયમાં કોરોના વાયરસનો ત્રીજાે વેવ શરૂ થઈ ગયો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં બગીચા, કાંકરીયા ફ્રન્ટ તથા પ્રાણી સંગ્રહાલય અચોક્કસ મુદત માટે બંધ રાખવા આદેશ થયો છે.
શહેરના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડીયમમાં પ્રેક્ષકો વિના મેચ રમાઈ રહી છે. વડાપ્રધાને માઈક્રો કન્ટેન્ટમેન્ટના ચુસ્ત અમલ માટે તાકીદ કરી છે. સરકાર અને મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અચાનક લેવામાં આવી રહેલા નિર્ણયોના કારણે કોરોનાની ગંભીરતાનો ખ્યાલ આવી શકે છે. શહેરમાં છેલ્લા એક મહીનામાં દૈન્ક કેસ અને એકટીવ કેસની સંખ્યામાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. આવા કપરા સમયે મ્યુનિ. તંત્ર એ પ્રજાનો હાથ અને સાથ છોડી દીધો છે. તથા ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓને વિનામુલ્યે અપાતી સારવાર બંધ કરી છે.
સ્માર્ટસીટી અમદાવાદમાં ગત એપ્રિલ અને મે મહીનામાં કોરોના કેસમાં વધારો થયા બાદ દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે મ્યુનિ. કોર્પોરેશને “એપેડેમીક” એક્ટ અંતર્ગત ખાનગી હોસ્પિટલો સાથે કરાર કર્યા હતા જેમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવતી હતી જેનું પેમેન્ટ મ્યુનિ. તંત્ર દ્વારા ચુકવવામાં આવી રહયુ હતું.
હોસ્પિટલના ખાલી બેડ માટે પણ પેમેન્ટ કરવામાં આવતા હતા મ્યુનિ. કોર્પોરેશને ૬૬ કરતા વધુ ખાનગી હોસ્પિટલોમાં ર૪૦૦ જેટલા બેડ માટે કરાર કર્યા હતા. તદપરાંત એસ.વી.પી.માં પ૦૦ અને સીવીલ ૧ર૦૦ બેડ હોસ્પિટલમાં પણ દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવતી હતી, પરંતુ ચૂંટણી સમયથી રાજકારણીઓની સાથે સાથે અધિકારીઓ પણ ચિંતામુક્ત થઈ ગયા હોય તેમ તમામ હોસ્પિટલો સાથે કરાર રદ કર્યા છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિનભાઈ સોલંકીએ જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. કવોટાના વોડ ઉપલબ્ધ છે પરંતુ તેમાં સારવાર લેવા માટે દર્દીએ પેમેન્ટ કરવાના રહેશે. શહેરીજનોને એસવીપી અને સીવીલમાં જ મફત સારવાર મળશે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સ્માર્ટ સીટીમાં ચૂંટણી સમયે એટલે કે પ્રચાર વિધિવત્ શરૂ થયો તે દિવસે (૧૦ ફેબ્રુ.) કોરોનાના નવા ૪૭ કેસ નોધાયા હતા
તે દિવસે એકટીવ કેસની સંખ્યા ર૬૩ હતી ચૂંટણીના દિવસે (ર૧ ફેબ્રુઆરી) કોરોનાના નવા કેસની સંખ્યા ૬૬ હતી જયારે એકટીવ કેસની સંખ્યા ઘટીને ર૧૧ થઈ હતી ચૂંટણી પરીણામ (ર૧ ફેબ્રુઆરી)ના દિવસે કોરોનાના ૭૦ કેસ નોધાયા હતા જયારે એકટીવ કેસની સંખ્યા વધીને ર૩૧ થઈ હતી.
ત્યારબાદ કોરોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે તથા ૧૦ માર્ચે નવા ૧૪૧ કેસ નોધાયા હતા જયારે એકટીવ કેસની સંખ્યા ૪ર૮ હતી જયારે ૧પ માર્ચે રપ૦ કેસ કન્ફર્મ થયા હતા જેની સામે એકટીવ કેસની સંખ્યા પ૮૭ હતી આમ માત્ર એક જ મહીનામાં કોરોનાના દૈનીક કેસ અને એકટીવ કેસની સંખ્યામાં લગભગ ૩૦૦ ટકાનો વધારો થયો છે.