સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર યુવાનની હત્યા
રાજકોટ, રંગીલું રાજકોટ ફરી એક વખત રક્તરંજિત થયું છે. રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે હત્યાનો બનાવ સામે આવતાં સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ સમગ્ર મામલાને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ હત્યા અંગત અદાવતના કારણે થઈ હોવાનું પોલીસને જણાવ્યું છે. ત્યારે પોલીસે પણ તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિજય મેર નામનો ૩૨ વર્ષીય યુવક પોતાના ઘર પાસે મિત્ર ગોપીની સાથે મોબાઈલમાં રમી ગેમ રમી રહ્યો હતો. આ સમયે બાઈકમાં બે જેટલા શખ્સો ધસી આવ્યા હતા. જે પૈકી એક શખ્સે પોતાનું મોઢું દુકાનેથી ઢાંકી રાખ્યું હતું. જ્યારે કે એક શખ્સનું મોઢું ખુલ્લું હતું. અચાનક આવી ચડેલા શખ્સોએ વિજય મેર ને છરી અને ધારિયાના ઘા મારી તેની હત્યા નિપજાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને ગત ઓકટોબર મહિનામાં પોતાના જ વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને રાજસ્થાન સહિતની જગ્યાએ લઈ ગયો હતો. પોલીસે આખરે યુવાન અને સગીરાને માણાવદર ખાતે થી એપ્રિલ મહિનામાં ઝડપી પાડયા હતા. જે તે સમયે સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી પોલીસે યુવાન વિરુદ્ધ અપહરણ તેમજ ત્યારબાદ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધવા ના કારણે યુવાન વિરુદ્ધ પોકસોની તેમજ દુષ્કર્મ ની કલમ પણ નોંધવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા યુવાનને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરોપી એક મહિના સુધી જેલમાં રહ્યો હોવાનું પણ હાલ પોલીસને જાણવા મળી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે ૩૨ વર્ષીય વિજયની હત્યા સગીરાના પરિવારજનો દ્વારા કરવામાં આવી હોવાનું વિજયના પરિવારજનોએ શંકા સેવી છે.
ત્યારે હાલ પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિજય ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હોવાનું સામે આવ્યું છે. તેમજ હાલ તે કોઈ કામ ધંધો ન કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. તો સાથોસાથ હાલ તેનો આવકનો સ્ત્રોત માત્ર ત્રણ મિલકતના માસિક ભાડા આવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ વિજયના માતા પિતા ન હોવાનું પણ પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.SSS