સગીરાનું અપહરણ કર્યું અને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવડાવ્યો

Files Photo
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર લગામ કસવામાં ઈમરાન ખાન સરકાર નિષ્ફળ રહી છે. સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના એક્ટિવિસ્ટ સઈદ સંગરીએ વીડિયો શેર કરીને દાવો કર્યો કે મંગળવારે એક ૧૩ વર્ષની છોકરીનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું અને તેને ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવામાં આવ્યો. એક્ટિવિસ્ટ સઈદ અન્સારીએ દાવો કર્યો છે
ઈસ્લામ ધર્મ કબૂલ કરાવવા માટે કેટલાક લોકો જબરદસ્તીથી છોકરીને પોતાની સાથે લઈ ગયા. એક્ટિવિસ્ટનું કહેવું છે કે છોકરીના પિતા બૂમો પાડીને મદદની ગુહાર લગાવતા રહ્યા. પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. સંગરીનો દાવો છે કે આ વીડિયો નકલી નથી પરંતુ સાચી ઘટના છે. જાે કે હજુ સુધી સ્થાનિક પ્રશાસન તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. સિંધ પ્રાંતનો બાદિન ધર્મ પરિવર્તન માટે કુખ્યાત બની રહ્યો છે. ગત વર્ષ જૂનમાં એવા ચોંકાવનારા સમાચાર આવ્યા હતા કે ૧૦૨ હિન્દુઓને જબરદસ્તીથી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો.
જેમાં પુરુષો ઉપરાંત મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. એટલું જ નહીં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું કે અહીંના એક સ્થાનિક મંદિરમાં રાખવામાં આવેલી દેવી દેવતાઓની મૂર્તિઓને તોડીને મંદિરને મસ્જિદમાં ફેરવી દેવાયું.
એ જ પ્રકારે ગત વર્ષ નવેમ્બરમાં સિંધ પ્રાંતમાંથી એવા સમાચાર આવ્યા હતા કે અહીં હિન્દુ ભીલ જાતિના કેટલાક મકાનો તોડી પડાયા હતા. કથિત રીતે આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. હાલમાં જ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે જબરદસ્તીથી ધર્મ પરિવર્તન પાકિસ્તાનમાં સામાન્ય થઈ રહ્યું છે. અહીં છાશવારે લઘુમતી સગીરાઓનું અપરહરણ થાય છે, તેમની સાથે દુષ્કર્મ થાય છે અને પછી તેમના જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરી દેવાય છે.